BREAKING NEWS

ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પઃ 607 માર્ગો બંધ, સુરતમાં સૌથી વધુ 106 રસ્તા બ્લોક થતા જનજીવન થંભ્યું

  • August 02, 2026 02:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસી રહેલા તોફાની અને વ્યાપક વરસાદના પરિણામે સમગ્ર રાજ્યના માર્ગ વાહનવ્યવહાર પર અત્યંત ગંભીર અને માઠી અસર પહોંચી છે. રાજ્યના વિવિધ ભાગોમાં પડેલા ધોધમાર વરસાદ અને અનેક વિસ્તારોમાં મુખ્ય રસ્તાઓ ધોવાઈ જવાના કારણે હાલમાં કુલ ૬૦૭ જેટલા નાના-મોટા માર્ગો વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવાની મજબૂરી ઊભી થઈ છે. વાહનવ્યવહાર તંત્રના સત્તાવાર રિપોર્ટ અનુસાર, બંધ કરવામાં આવેલા રસ્તાઓમાં ૩ નેશનલ હાઈવે, ૩૦ સ્ટેટ હાઇવે, પંચાયત વિભાગ હસ્તકના પ૨૮ માર્ગો તેમજ અન્ય ૪૬ રસ્તાઓનો સમાવેશ થાય છે. આ વિષમ પરિસ્થિતિના કારણે રોજિંદા વાહનચાલકો અને સામાન્ય મુસાફરોને રસ્તા પર ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

જિલ્લાવાર વિગતવાર પરિસ્થિતિ પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં વરસાદે સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ સર્જી છે, જ્યાં સૌથી વધુ ૧૦૬ માર્ગો બંધ થઈ ગયા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં ૮૮, નવસારી જિલ્લામાં ૬૩ અને સૌરાષ્ટ્રના મોરબી જિલ્લામાં ૫૦ માર્ગો બંધ થઈ જતાં આ વિસ્તારોના અનેક અંતરિયાળ ગામડાઓનો સંપર્ક મુખ્ય મથકોથી તૂટી ગયો છે. અનેક ગામડાઓ સંપર્કવિહોણા બની જતાં દૂધ, શાકભાજી અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓની પુરવઠા સેવાઓ પર પણ માઠી અસર પડી છે.


બીજી તરફ, રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ રોકાયા બાદ રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. ધોવાઈ ગયેલા અને બિસ્માર બનેલા માર્ગોને કારણે વાહનો ચલાવવામાં નાના-મોટા અકસ્માતો થવાનો ભય સતત તોળાઈ રહ્યો છે. હાલમાં વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિને વહેલી તકે થાળે પાડવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. બંધ પડેલા તમામ માર્ગોનું ઝડપથી સમારકામ કરીને તેને પુનઃ વાહનવ્યવહાર માટે સુરક્ષિત રીતે શરૂ કરવા રોડ-મકાન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.


અંકલેશ્વર-હાંસોટ-સુરત સ્ટેટ હાઇવે બંધ

ભરૂચ જિલ્લામાં કિમ નદીના રૌદ્ર સ્વરૂપને કારણે વાહનવ્યવહાર પર ગંભીર અસર પડી છે. અંકલેશ્વર-હાંસોટ-સુરતને જોડતો મહત્વનો સ્ટેટ હાઇવે સતત બીજા દિવસે વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે. હાંસોટના સાહોલ ગામ નજીક કિમ નદીના પૂરના પાણી હાઇવે પર ફરી વળતાં રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો છે. રસ્તો બંધ થવાના કારણે વાહનચાલકો અને મુસાફરોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, જ્યારે તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરાઈ છે.


લીંબડીના પરનાળા સહિત અનેક ગામ સંપર્કવિહોણા

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે પરનાળા સહિત અનેક ગામો સંપર્કવિહોણા બન્યા છે અને સમગ્ર નળકાંઠા વિસ્તાર મુખ્ય મથકથી વિખૂટો પડી ગયો છે. ગામના મુખ્ય પ્રવેશદ્વાર અને રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. આ સિવાય, પરનાળા ગામની પ્રાથમિક શાળામાં પૂરના પાણી ઘૂસી જતાં શાળાના મહત્વના ચોપડા, સરકારી દસ્તાવેજો અને કોમ્પ્યુટર લેબના સાધનોને ભારે નુકસાન પહોંચ્યું છે, જેનાથી સ્થાનિકો અને ગ્રામજનોમાં ચિંતાનો માહોલ છે.


મોરબીમાં નેશનલ હાઇવેનો ટ્રાફિક સંપૂર્ણ ઠપ્પ

મોરબીમાં ભારે વરસાદના કારણે નેશનલ હાઇવે પરનો ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. ભારતમાલા હાઇવે પ્રોજેક્ટ અંતર્ગત આમરણ પાસે ડેમી નદી પર આપવામાં આવેલું ડાયવર્ઝન પૂરના પાણીમાં ધોવાઈ જતાં કચ્છ અને જામનગર વચ્ચેનો માર્ગ સંપર્ક તૂટી ગયો છે. મુખ્ય રસ્તો બંધ થઈ જવાને લીધે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે અને હજારો વાહનચાલકો વચ્ચે રસ્તે અટવાઈ પડતાં ભારે મુશ્કેલીમાં મુકાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application