રાજકોટની ભાગોળે આવેલા માલિયાસણ ગામમાં માત્ર આઠ વર્ષની બાળકી પર ૬૫ વર્ષનાં વૃદ્ધે નજર બગાડી ચોકલેટ આપવાના બહાને ઘરે લઈ જઈ તેના શરીર સાથે અડપલાં કર્યા હતા. જેની જાણ થતાં જ ગ્રામજનોએ વૃદ્ધને મારમાર્યો હતો. જે અંગે વૃધ્ધ સામે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. સામાપક્ષે વૃધ્ધને મારમાર્યો હોય જે અંગે તેમણે અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,માલિયાસણ ગામે રહેતા વિનુભાઈ કરશનભાઈ કુડલાની (ઉ.વ.૬૫) સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપી કટલેરીની લારી ચલાવે છે. દરરોજ તેની નજીક આઠેક વર્ષની બાળકી રમવા આવતી હતી. જેને જોઈ તેની દાનત બગડી હતી. દરમિયાન ગઇકાલે સવારે મોકો મળતાં બાળકીને ચોકલેટની લાલચ આપી પોતાના ઘરે લઈ ગયો હતો. જ્યાં તેને નિવસ્ત્ર કરી તેના શરીર સાથે અડપલાં શરૂ કર્યા હતા.
બીજી તરફ બાળકીનાં પરિવારજનોએ ગ્રામજનો સાથે મળી શોધખોળ શરૂ કરી હતી. આખરે શંકાના આધારે વિનુનાં ઘરે જતાં ત્યાંથી બાળકી મળી આવી હતી. તત્કાળ પોલીસને જાણ કરી હતી. જેના આધારે કુવાડવા રોડ પોલીસે આરોપી વિનુ સામે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
આ ઘટનાના પગલે ગ્રામજન રોષે ભરાયા હતા. તેમણે વિનુને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. જેને કારણે તેને સારવાર અપાવાઈ હતી. જે અંગે વિનુભાઈ કુડલાએ કુવાડવા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તેનુ મુળ વતન ગોંડલ ભોજપરા ગામ છે. ગઇકાલે સાડા અગ્યારેક વાગ્યાની આસપાસ માલીયાસણ ગામમા સતાધાર ચોકમાંથી પોતાની કટલેરીની રેકડીનો વેપાર ધંધો પુરો કરીને ઘરે જમવા માટે જતો હતો ત્યારે મારા મકાનવાળી શેરીમાં એક છોકરી શેરીમા રમતી હતી તેને કહ્યું હતું કે, બેટા મારા ઘરે આવ તને ચોકલેટ આપુ એમ કહીને તેને ઘરે લઈ ગયેલ ત્યારે એક અજાણ્યો શખસે લાકડી વડે માર માર્યો હતો.