BREAKING NEWS

રાજકોટમાં નૂતન વર્ષના પ્રારંભે મચ્છરનો તરખાટ: ડેંગ્યૂ-મેલેરિયા સહિત રોગચાળાના 694 કેસ

  • November 16, 2026 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં નૂતન વર્ષના પ્રથમ સપ્તાહમાં ડેન્ગ્યુના ત્રણ અને મેલેરિયાનો એક સહિત વિવિધ રોગચાળાના કુલ ૬૯૪ કેસ નોંધાયા છે. જે ગત સપ્તાહની તુલનાએ ૫૦ ટકાથી પણ ઓછા છે. મહાપાલિકાની આરોગ્ય શાખાની ઇચ્છા મુજબ રોગચાળામાં વધ ઘટ થતી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. શું ૨૫ લાખની વસ્તીના રાજકોટ શહેરમાં શું રોગચાળાના ફ્ક્ત આટલા જ કેસ હોય ખરા ? તેવો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. ખરેખર ૬૯૪ કેસ તો કોઈ એક મોટી ખાનગી હોસ્પિટલમાં પ્રતિ દિવસના નોંધાતા હશે.

મ્યુનિ.વિકલી એપેડેમિક રિપોર્ટ અનુસાર, ગત સોમવારથી આજે સોમવાર સુધીના એક સપ્તાહમાં મેલેરિયાનો એક, ડેન્ગ્યુના ત્રણ, શરદી ઉધરસના ૩૨૯, ઝાડા ઉલ્ટીના ૫૬, તાવના ૩૦૫ સહિત કુલ ૬૯૪ કેસ નોંધાયા છે.

મ્યુનિ.આરોગ્ય શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે, મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કરાયું હતું તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવી હતી.ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૫૪ પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્‍કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરી રહેણાંકમાં ૮૨ અને કોર્મશીયલ ૨૩ સહિત કુલ ૧૦૫ને નોટીસ ફટકારવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application