૩૭ હજારની માલમત્તા કબ્જે : ખંઢેરામાં વર્લીબાઝની અટકાયત
કાલાવડના ટોડા ગામની પાટાવાળી સીમમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ૩ મહિલા સહીત સાતની અટકાયત કરવામાં આવી હતી, આ ઉપરાંત ખંઢેરા ગામમાં એક વર્લીબાઝને રોકડ અને સાહિત્ય સાથે દબોચી લેવામાં આવ્યો હતો.
કાલાવડ તાલુકાના ટોડા ગામની પાટાવાળી સીમમાં વાડીના શેઢે જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમાતો હોય આથી ગ્રામ્ય પોલીસે દરોડો પાડયો હતો જેમાં તિનપતીનો જુગાર રમતા ટોડા ગામના યોગરાજસિંહ કુંવરસિંહ જાડેજા, હઠુભા પ્રદ્યુમનસિંહ જાડેજા, ખડધોરાજીના દિપક અમુ મકવાણા, લોધીકાના વિરડાવાજડી ગામના જીતેન્દ્ર ઘેલા બથવાર, કાલાવડ આંબેડકરનગરના મનિષાબેન સંજય સોંદરવા, મેટોડા જીઆઇડીસી અંજલી પાર્કના સંગીતાબેન દિનેશ શાહ અને વિરડાવાજડી ગામના સંગીતાબેન જીતેન્દ્ર બથવારની અટકાયત કરવામાં આવી હતી.દરોડા દરમ્યાન પોલીસે ૧૧૯૩૦ની રોકડ તથા ૬ મોબાઇલ, ગંજીપતા મળી કુલ ૩૭૪૩૦નો મુદામાલ જપ્ત કર્યો હતો.
આ ઉપરાંત કાલાવડના ખંઢેરા ગામ અપ્સરા ચોક ખાતે રહેતા વેપારી અતુલ જેન્તી મહેતા નામના શખ્સને આ વિસ્તારમાં જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા રોકડા ૪૧૫૦, ૧ મોબાઇલ, આંકડા લખેલી ચિઠ્ઠી સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
જામનગરમાં ઘોડીપાસા ખેલતા બે શખ્સ ગીરફતારઃ ૧૦ હજારની મત્તા કબ્જે
જામનગરના ભાનુશાળી વાડ કામદાર શેરીમાં જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમતા બે શખ્સને રોકડ સાથે પકડી લેવામાં આવ્યા હતા. જામનગરના હવાઇચોક નજીક, ભાનુશાળી વાડ, કામદાર શેરીમાં રહેતા અશોક ઉર્ફે ઢોલકી બચુ હરવરા અને દિ.પ્લોટ-૫૩ ચોકમાં રહેતા મોહન નાનજી મંગે આ બંનેને ગઇકાલે કામદાર શેરી વિસ્તારમાં ઘોડીપાસા વડે જુગાર રમતા રોકડા ૧૦૦૫૦ અને પાસા સાથે સીટી-એ ડીવીઝન પોલીસે પકડી લીધા હતા.