વિંછીયામાં જસદણ રોડ પર આવેલી દુકાનમાંથી તસ્કરો ૭૫ કિલો કોપર વાયર ચોરી કરી ગયા હતાં. ચોરીની આ ઘટના બાદ વેપારીએ દુકાનમાં સીસીટીવી કેમેરા ફિટ કરાવતા ફરી એક વખત તસ્કરે અહીં ચોરી કરવાના બદલે આ વખતે કેમેરામાં તોડફોડ કરી હતી.
વિંછીયાના માત્રાના દરવાજા બહાર ડાબીવાડી વિસ્તારમાં રહેતા વનરાજભાઈ નરશીભાઈ રોજાસરા(ઉ.વ 34) દ્વારા વિંછીયા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને વિંછીયા જસદણ રોડ પર કોટડાના રસ્તા સામે કિસાન મોટર રીવાઇડીંગ નામની દુકાન આવેલી છે. જેમાં તેઓ સાત વર્ષથી બેસી ઇલેક્ટ્રિક સામાનનો વેપાર કરે છે.
ગઈ તા.11/9/2025 ના તેઓ દુકાને ગયા હતા ત્યારે દુકાનો શટર ઊંચું હોય જેથી ચોરી થયાની શંકા ગઈ હતી. બાદમાં દુકાનમાં તપાસ કરતા દુકાનમાં રહેલા કોપર વાયર 50 કિલો કિં.રૂ. 30,000 તથા જુનો કોપર વાયર 25 કિલો કિં. રૂ. 9,000 મળી કુલ રૂપિયા 39,000 ની સામાનની ચોરી થયાનું માલુમ પડ્યું હતું. જે તે સમયે તેમણે આ અંગે ફરિયાદ કરી હતી. બાદમાં તેમણે તા. 15/9 ના દુકાનમાં સીસીટીવી કેમેરા ફીટ કરાવ્યા હતા. તા. 30/9 અહીં ફરી એક શંકાસ્પદ વ્યક્તિ આવી વેપારીએ દુકાનમાં ફીટ કરાવેલા સીસીટીવી કેમેરામાં તોડફોડ કરી હતી. જોકે આ સમયે તેણે કોઈ રોકડ રકમ કે સામાનની ચોરી કરી ન હતી ત્યારબાદ આ અંગે વેપારી વનરાજભાઈ રોજાસરા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી