BREAKING NEWS

રાજુલામાં સાંબેલાધાર 9 ઈંચ વરસાદ, મહિલાને ડિલિવરી માટે JCBમાં લઈ જવી પડી

  • October 27, 2025 09:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી દરિયાકાંઠાની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. રાજુલામાં 24 કલાકમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ ખાબકતા ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
રાજુલા ધાતરવાડી ડેમ-2ના એક સાથે 19 દરવાજા ખોલવાની ફરજ પડી છે, જેના કારણે નીચાણવાળા ખાખબાઈ, હિંડોરણા, વડ, રામપરા, કોવાયા, ઉછેયા, ભેરાઇ, ભચાદર સહિતવી ગામડાને એલર્ટ કરાયા છે. નીચાણવાળા ખાખબાઈ ગામમાં પાણી પ્રવેશતા મુશ્કેલી સર્જાઈ છે. ધાતરવાડી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ હાલમાં વહી રહ્યો છે.


રાજુલામાં મહિલાને ડિલિવરી માટે JCBમાં લઈ જવી પડી

અમરેલી જિલ્લામાં ભારે વરસાદ પડતા રાજુલાના ચાંચબંદર પટવા વચ્ચે સમઢીયાળા બંધારાનું પાણી આવતા મહિલાને ડિલિવરી માટે લઈ જવામાં મુશ્કેલી સર્જાઈ હતી. મહિલાને અસહ્ય પીડા થતાં JCBની મદદથી પાણીના પૂર વચ્ચેથી બહાર કાઢી 108માં રાજુલા હોસ્પિટલ પહોંચાડી હતી. અહીં મહિલાની સફળ ડિલિવરી થઈ અને પુત્રનો જન્મ થયો છે. ચાંચબંદર જવાનો માર્ગ બંધ બંધારાના પાણી ફરી વળવાના કારણે ગ્રામ્ય વિસ્તારનો માર્ગ બંધ થયો છે.


ઉનામાં 24 કલાકમાં 5 ઈંચ વરસાદ

ઉના શહેરમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હોવાથી ધરતીપુત્રોની હાલત કફોડી બની છે. ઉના શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં એલમપુર ગામના ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોની મગફળીના પથરા પલળી ગયા છે. તેમજ સનખડા ગામના ખોખરીયાપીર વિસ્તારમાં પાણી વહેતા થતા આ વિસ્તારના લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.


સનખડા અને ખત્રીવાડા ગામ વચ્ચે પાણી ભરાયા

સનખડા અને ખત્રીવાડા ગામ વચ્ચે પણ પાણી ફરી વળતા આ બન્ને ગામ એક બીજાથી સંપર્ક વિહોણા થયાનો અહેવાલ મળી રહ્યો છે. બન્ને ગામ વચ્ચેના ખેતરોમાં પણ છલોછલ પાણી ભરાયેલા જોવા મળી રહ્યો છે. ગત રાતથી સમગ્ર ઉના પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેથી ખેડૂતોની હાલત ખરાબ થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application