BREAKING NEWS

વર્ષ 97 લાખ ભક્તો સોમનાથ દાદાને નમાવે છે શિશ, ગૂગલ પર સર્ચ કરાયેલા દેશના ટોચના 10 સ્થળોમાં સોમનાથ પણ એક

  • January 08, 2026 01:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


‘સૌરાષ્ટ્રે સોમનાથં ચ, શ્રી શૈલે મલ્લિકાર્જુનમ, ઉજ્જયિન્યાં મહાકાલમ ॐ કારમ અમલેશ્વરમ.’ દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમની આ પંક્તિ દર્શાવે છે કે, ભારતના 12 પવિત્ર જ્યોતિર્લિંગોનું વર્ણન થાય ત્યારે સૌથી પહેલાં સોમનાથનો ઉલ્લેખ આવે છે. આ ભારતની સંસ્કૃતિમાં સોમનાથનું અગ્રસ્થાન તથા તેના અવિનાશી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વને દર્શાવે છે. છેલ્લા બે દાયકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સોમનાથ મંદિર “સુવર્ણ યુગ”માં પ્રવેશ્યું છે. તેઓ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા ત્યારથી સોમનાથના વિકાસમાં એક નવો અધ્યાય શરૂ થયો છે.


ઉલ્લેખનીય છે કે, વર્ષ 2026માં મહમૂદ ગઝનવી દ્વારા સોમનાથ પર 1026માં કરવામાં આવેલા પ્રથમ આક્રમણના હજાર વર્ષ પૂર્ણ થશે. આજે એક હજાર વર્ષ પછી પણ સોમનાથ મંદિર પૂરા ગૌરવ સાથે અડીખમ ઊભું છે. સંયોગવશાત્, 2026માં જ સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના છે. 11 મે 1951ના રોજ આ ભવ્ય મંદિરનું પુનર્નિર્માણ સંપન્ન થયું હતું અને ફરી ભક્તો માટે ખુલ્યું હતું. આ સીમાચિહ્નરૂપ ઘટનાને વધુ વિશેષ બનાવતા વડાપ્રધાનશ્રી 11 જાન્યુઆરીએ સોમનાથની મુલાકાત લેશે અને ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં હાજરી આપશે.


સોમનાથ: ભક્તિ અને ભવ્યતાનો સંગમ

શિખર પર 1,666 સુવર્ણ કળશ અને 14,200 ધજાઓ સાથે સોમનાથ મંદિર ત્રણ પેઢીઓની અડગ શ્રદ્ધા, દ્રઢતા અને કલાત્મકતાના પ્રતિબિંબ તરીકે ઊભું છે. દર વર્ષે લાખો લોકો આ જ્યોતિર્લિંગના દર્શન માટે આવે છે. વર્ષ 2020થી 2024 સુધી વાર્ષિક અંદાજે 97 લાખ શ્રદ્ધાળુઓ સોમનાથના દર્શન માટે આવ્યા છે. બિલ્વ પૂજા માટે છેલ્લા 2 વર્ષમાં શ્રદ્ધાળુઓની સંખ્યા 13.77 લાખ નોંધાઈ હતી, જેમાં મહા શિવરાત્રિ 2025 દરમિયાન 3.56 લાખ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. આજે ઓનલાઇન બુકિંગ અને પોસ્ટલ પ્રસાદની સુવિધા એ સુનિશ્ચિત કરે છે કે સોમનાથની પવિત્રતા મંદિરની સીમાઓને પાર કરી તમામ ભક્તો સુધી પહોંચે.


આસ્થા સાથે ઉત્સવનું કેન્દ્ર છે સોમનાથ યાત્રાધામ

સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે લાઇટ એન્ડ સાઉન્ડ શૉ અને ઉત્સવોનું આકર્ષણ પણ રહ્યું છે. છેલ્લા 3 વર્ષમાં 10 લાખથી વધુ લોકોએ સોમનાથની ગાથા વર્ણવતો લાઇટ એન્ડ સાઉન્ડ શૉ નિહાળ્યો છે. સોમનાથના આંગણે ઉજવાતા ઉત્સવની વાત કરીએ તો, ગત વર્ષે વંદે સોમનાથ કલા મહોત્સવમાં 1,500 વર્ષ જૂની નૃત્ય પરંપરાઓ પુનર્જીવિત થઈ હતી, જે દર્શાવે છે કે, સોમનાથ માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, તે સાંસ્કૃતિક વારસાને પણ ઉજાગર કરે છે.


આધુનિક પરિવહન સેવાઓ અને વૈશ્વિક કનેક્ટિવિટી

સોમનાથની યાત્રા ભક્તો માટે વધુ સરળ અને આરામદાયક બને તે હેતુથી કનેક્ટિવિટીમાં મહત્વપૂર્ણ સુધારાઓ કરવામાં આવ્યા છે. રૂ.828 કરોડના પ્રોજેક્ટ જેતપુર-સોમનાથ ફોર લેન હાઇવેના કારણે યાત્રિકોને એક્સપ્રેસવેની સુવિધા મળી છે. સાબરમતી–વેરાવળ વંદે ભારત એક્સપ્રેસના કારણે અમદાવાદથી સોમનાથની યાત્રા હવે વધુ ઝડપી અને સુલભ બની છે. આ ઉપરાંત, વર્ષ 2022માં ફરી શરૂ કરવામાં આવેલ કેશોદ ઍરપોર્ટ અને 2023માં રાજકોટ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટના ઉદ્ઘાટન બાદ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સોમનાથ પહોંચવું સુલભ બન્યું છે.


નેટ-ઝીરો મંદિર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે સોમનાથ

વર્ષ 2018માં ‘સ્વચ્છ આઇકોનિક પ્લેસ’ તરીકે માન્યતા પ્રાપ્ત કરનાર સોમનાથ આજે ટકાઉ વિકાસ અને નવીનતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. વેસ્ટ સેગ્રિગેશન કેન્દ્રોમાં હવે મંદિરના ફૂલોને વર્મીકમ્પોસ્ટમાં રૂપાંતરિત કરીને તેનો ઉપયોગ 1,700 બિલ્વ વૃક્ષોના સંવર્ધનમાં થાય છે. મિશન LiFE પહેલ હેઠળ પ્લાસ્ટિક કચરામાંથી દર મહિને પેવર બ્લોક્સ તૈયાર કરવામાં આવે છે. અહીં દર મહિને લગભગ 4,700 પ્લાસ્ટિક-ફ્લાય ઍશ બ્લોક્સનું ઉત્પાદન કરવામાં આવશે, જે સ્થાનિક મહિલા સ્વ-સહાય જૂથો માટે આવક ઉત્પન્ન કરશે અને વાર્ષિક 125 ટન પ્લાસ્ટિક રિસાઇકલ કરશે.


રૂ.62 લાખના ખર્ચે પુન:સ્થાપિત કરવામાં આવેલ છ વરસાદી પાણી સંગ્રહના કુવાઓ અને એક જળાશય દર મહિને લગભગ 30 લાખ લિટર ગટરના પાણીને શુદ્ધ કરે છે, જેનો ઉપયોગ વનીકરણ માટે થાય છે. જ્યારે 2019-20માં રૂ.160 લાખના રોકાણ સાથે આઠ ગટર શુદ્ધિકરણ પ્લાન્ટે કૃષિ અને લેન્ડસ્કેપ સિંચાઈ માટે 20.53 કરોડ લિટર પાણી ફિલ્ટર કર્યું છે.


72,000 ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસિત 7,200 વૃક્ષો ધરાવતું મિયાવાકી વન દરિયાઈ અને ખારા પવનો સામે રક્ષણ આપે છે. IIT કાનપુરના અભ્યાસ મુજબ, આ વન બે વર્ષ બાદ વાર્ષિક 93,000 કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ શોષી શકશે. એટલું જ નહીં, ટ્રસ્ટ દ્વારા સેવાભાવે અભિષેક માટેનું પવિત્ર પાણી નવ સ્તરીય શુદ્ધિકરણ પ્લાન્ટ દ્વારા શુદ્ધ કરીને ‘સોમગંગાજલ’ તરીકે રૂ.15માં વિતરિત કરવામાં આવે છે. ડિસેમ્બર 2024 સુધીમાં 1.13 લાખથી વધુ પરિવારોને તેનો લાભ મળ્યો છે. આ તમામ પ્રયાસો દ્વારા સોમનાથ નેટ-ઝીરો મંદિર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.


ભારતીયો દ્વારા સૌથી વધુ સર્ચ કરાયેલા ટોચના 10 સ્થાનોમાં સોમનાથ સામેલ

ગૂગલ પર ભારતીયો દ્વારા સૌથી વધુ સર્ચ કરાયેલા ટોચના 10 સ્થાનોમાં સોમનાથનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 2025માં સોમનાથની સોશ્યલ મીડિયા ઇમ્પ્રેશન 1.37 અબજને વટાવી ગઈ છે, જે વિશ્વભરના ભક્તોમાં સોમનાથ પ્રત્યેની શ્રદ્ધા અને આધ્યાત્મિક મહત્વને દર્શાવે છે. ભારતની આસ્થા અને સ્વાભિમાનનું પ્રતીક સમું સોમનાથ મંદિર વિકસિત ભારતના નિર્માણ માટે પણ આગળ વધવાની પ્રેરણા આપે છે. વડાપ્રધાનશ્રીએ આ બાબત પર ભાર મૂકતાં લખ્યું હતું કે, “જો હજાર વર્ષ પહેલાં ખંડિત થયેલું સોમનાથ મંદિર સંપૂર્ણ વૈભવ સાથે ફરીથી ઊભું થઈ શકે છે, તો આપણે હજાર વર્ષ પહેલાંનું સમૃદ્ધ ભારત પણ બનાવી શકીએ છીએ.”



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application