રાજકોટમાં રામધણ પાસે રહેતા અને ઉમિયા ચોક પાસે ઓફિસ ધરાવનાર વેપારી સાથે કોલકત્તાના શખસે રૂપિયા 21 લાખની છેતરપિંડી કર્યા આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બાંગ્લાદેશમાં આદુનો માલ વેપારીને વેચવા માટે ફરિયાદી પાસેથી પૈસા ટ્રાન્સફર કરાવી લીધા બાદ આ માલ આરોપીએ બરોબર વેચી નાખ્યો હતો. જેથી તેમણે આ અંગે ફરિયાદ નોંધાવી છે.
ફેનીલ વિનોદભાઇ બારસીયા જાતે પટેલ (ઉ.વ.૨૫ રહે,હાલ શ્રી નાથજી પાર્ક શેરી નં.૧ રામધણ પાછળ મૈત્રી કોમ્પ્લેક્ષવાળી શેરી રાજકોટ, મુળ વતન ૬૪ સીધેશ્વર રણછોડનગર સોસાયટી શેરી નં.૪ માનસ સ્કુલ ની પાસે ઝાંઝરડા રોડ જુનાગઢ દ્વારા તાલુકા પોલીસ મથકમાં નોંધવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોલકત્તાના અભિષેક રોયનું નામ આપ્યું છે.
વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે શાકભાજી તથા ફળોનું ઇમ્પોર્ટ-એક્સ્પોર્ટ શ્રીલંકા, બાંગલાદેશ,દુબઈ,યુ.કે.યુ.એસ.એ. ખાતે કરે છે. તેમની ઓફીસ ૯૦૬ સંસ્કાર હાઇટસ ઉમીયા ચોક ૧૫૦ ફુટ રીંગ રોડ મવડી ખાતે આવેલી છે.
ફરિયાદીએ જણાવ્યું છે કે, તે શાકભાજીના ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરતા હોય જેથી મહારાષ્ટના નામપુર ખાતે ગયા હતા. અને ત્યાંથી રાહુલભાઈ ઠાકુર પાસેથી માલ ખરીદી કરે છે. ફરિયાદીએ રાહુલભાઇને કહ્યું હતું કે, અમારે બાંગલાદેશમાં શાકભાજીનો ધંધો કરવો છે ત્યા કોઇ જાણીતુ હોય તો કહેજો. જેથી આ રાહુલભાઈએ કહ્યું હતું કે, બાંગ્લાદેશમાં કોલકત્તાના અભિષેક રોય ત્યાં વેપાર કરીને એક્પોર્ટરને વેપાર માટે બેંકની લેટર ઓફ ક્રેડીટ અપાવે છે. અને તમારે તેના નંબર જોતા હોય તો હુ આપુ જેથી ફરિયાદીએ અભિષેક રોયના મોબાઇલ નંબર લીધા હતાં.બાદમાં મહારાષ્ટના નામપુર ખાતેથી આ અભિષેક રોય સાથે ત્યાં જ વાતચીત કરી હતી.બાદ આ અભિષેક રોય સાથે તા.૧૮/૦૬/૨૦૨૫ ના રોજ મોબાઇલ ફોનમાં વોટસઅપ કોલમાં વાતચીત થયેલ કે બાંગ્લાદેશમાં અત્યારે બે વેપારીના પચાસ પચાસ ટન આદુનો ઓર્ડર છે તો તમારે આ ઓર્ડર લેવા હોય તો મને કેજો હું તમને લેટર ઓફ ક્રેડીટ અપાવીસ તેમ વાત થઇ હતી.અને ફરિયાદીએ આ ઓર્ડર સ્વીકારેલ હતો.
બાદમાં તા:-૨૬/૦૬/૨૦૨૫ ના રોજ ફરિયાદીને અભિષેક રોયે મોબાઇલમાં બેંક લેટર ઓફ ક્રેડીટ મોકલેલ હતી.જે ફરિયાદીએ રાજકોટની ઈન્ડસન બેંકને આ લેટર ઓફ ક્રેડીટ વેરીફાય કરાવા માટે આપી હતી.બાદ આ ઇન્ડસન બેંકે બઘુ બરાબર હોય જેથી એપ્રુવ કરી આપેલ હતી.બાદ ફરિયાદીએ ધંધાના કામ માટે તા.૦૫/૦૭/૨૦૨૫ ના રોજ નાસીક ગયા હતા જે દરમિયાન અભિષેક રોયને પણ ત્યા બોલાવેલ હતા. અને અભિષેક રોય સાથે બાંગ્લાદેશમાં માલ મોક્લવા માટે માલ કયાંથી લેવો અને કઈ રીતે મોકલવો જે વીગેરે બાબતેની ચર્ચા થયેલ હતી. અને નક્કિ થયેલ કે કર્ણાટકના હસન ખાતેથી આદુના માલની ખ રીદી કરીશુ.અને ત્યાથી ટ્રાન્સપોર્ટ મારફતે બાંગ્લાદેશ ખાતે માલ મોકલીશુ. બાદ આ અભિષેક રોય કર્ણાટકના હસને ખાતે ગયેલ હતા. અને ત્યાં શ્રી સીધ્ધીવીનાયક ટેડર્સ પાસે થી તા.૧૧/૦૭/૨૦૨૫ ના રોજ આદુ ખરીદી કરવાનુ નકકી કર્યું હતું.
બાદમાં અભિષેકના કહેવા મુજબ કુલ રૂ.૨૧ લાખ ફરિયાદીએ આરોપીને ટ્રાન્સફર કર્યા હતાં. તા.૩૦/૭/૨૦૨૫ ના બાંગ્લાદેશ બોર્ડર પર સાત દિવસથી કલીયરન્સ ન મળતા ટ્રકના ડ્રાઇવરને ફરિયાદીએ ફોન કરી કહ્યું હતું કે, માલ ખાલી કરી નાખો જેથી ડ્રાઇવરએ હા પાડી હતી. બાદમાં ફરિયાદીને માલુમ પડ્યું હતું કે, તેમની જાણ બહાર માલ ખાલી થઈ ગયો છે. ત્યારબાદ આ અભિષેક રોયે ફરિયાદીના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. બાદમાં તારીખ 2/8/2025 ના ફરિયાદી તેમના સગા ધ્રુવભાઈ ડોબરીયા તથા આકાશભાઇ જીવાણી સાથે કર્ણાટકના હસન ખાતે ગયા હતા. ત્યાં અભિષેક સાથે મોબાઇલમાં વાતચીત થતા કહ્યું હતું કે, તમારો માલ મેં બારોબાર વેચી નાખ્યો છે અને માલના રૂપિયા 21 લાખ હું તમને તા. 10/8/2025 ના રોજ આપીશ તેવી વાત કરી હતી. બાદમાં ફરિયાદીએ જેમાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા તે શ્રી સિદ્ધિવિનાયક ટ્રેડર્સ હસન ખાતે ગયા હતા. સિદ્ધિવિનાયક ટ્રેડર્સના માલિક દિપકભાઈને કહ્યું હતું કે તમારી બીલટી તથા કાંટા ચિઠ્ઠી અમને આપો. પરંતુ તેમણે આપી ન હતી. બાદમાં ફરિયાદી રાજકોટ આવી ગયા હતા. આમ અભિષેક રોયે ફરિયાદી પાસેથી આદુનો માલ બાંગ્લાદેશ એક્સપોર્ટ કરવાના બહાને રૂપિયા ૨૧ લાખ શ્રી સિદ્ધિવિનાયક પેઢીના ખાતામાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કર્યા અંગે તેમણે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.