રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મેયર તથા ભાજપના વરિષ્ઠ અગ્રણી જનકભાઈ કોટક (જનક રાજા)નું અવસાન થતાં આજે રાજકોટ ખાતે તેમની અંતિમયાત્રા યોજાઈ હતી. પક્ષના પાયાના અને સાદગીપૂર્ણ જીવન જીવતા નેતાની આ અંતિમયાત્રામાં ભાજપના દિગ્ગજ નેતાઓ, હોદ્દેદારો, કાર્યકરો અને સામાન્ય નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
જનસંઘના સમયથી પક્ષને વફાદાર રહેલા અને સાત વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા જનકભાઈને સૌ કોઈએ અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપી હતી. અંતિમ શ્વાસ સુધી સંગઠન માટે સક્રિય રહેલા આ લોકપ્રિય નેતાના જવાથી સમગ્ર રાજકીય આલમમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
મેયર નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, જનકભાઈનું હુલામણું નામ જ રાજા હતું અને રાજા જેવું જ જીવન જીવતા હતા. તેઓ ઘણીવાર મેયર હોવા છતાં સાદા ઝભ્ભા-લેંઘામાં અને પગમાં ચપ્પલ પહેરીને જોવા મળતા હતા. તેઓ પોતાનું સ્કૂટર લઈને શહેરમાં ફરતા અને લોકોના પ્રશ્નો સાંભળતા હતા. કોઈ પણ પ્રકારના અભિમાન વગરના અને સાદગીપૂર્ણ જીવનના કારણે તેઓ કાર્યકરોમાં ખૂબ જ લોકપ્રિય હતા.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માદવ દવેએ જણાવ્યું હતું કે, "જનકભાઈ કોટક એટલે કે જનક રાજા.. એટલે ભારતીય જનતા પાર્ટી માટે અને રાજકોટ મહાનગર માટે એક ખૂબ જ સન્માનનીય નામ. કારણ કે એમણે ખૂબ નાની ઉંમરથી જનસંઘ દ્વારા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક દ્વારા એમણે રાષ્ટ્રકાર્ય તો કર્યું જ, પરંતુ એમની સેવાકીય કાર્યોની સુવાસ એમણે એવી ફેલાવી કે આજે આખું રાજકોટ એમને યાદ કરે છે. અને એમનો એક કહેવાય ને કે 'ઓલ દોલ' સ્વભાવ, એટલે એમનું ત્યારથી નામ જનકભાઈ રાજા પડી ગયું. અને જનક રાજા બધા સાથે, યુવામાં યુવા કાર્યકર્તા હોય એથી લઈ અને વરિષ્ઠ કાર્યકર્તાઓ તમામમાં લોકપ્રિય એટલે હતા કે દરેક સાથે ખૂબ જ સરળતાથી વાત કરવી, સરળતાથી મળી જવું અને ભારતીય જનતા પાર્ટી માટે પૂર્ણ સમય..
વધુમાં જણાવ્યું હતું કે, એમ કહેવાય કે આ એમનો અંતિમ દિવસ હતો પણ એ અંતિમ શ્વાસ સુધી ભારતીય જનતા પાર્ટી માટે સક્રિય રહ્યા એમ કહી શકાય. આવું શ્રદ્ધેય વ્યક્તિત્વ આજે આપણી વચ્ચે નથી, એનું હું ખૂબ હૃદયપૂર્વક દુઃખ અનુભવું છું. કારણ કે એ એમની માટે 'સ્વર્ગસ્થ' શબ્દ ન કહી શકાય પણ એ 'હૃદયસ્થ' બધાના.. કાર્યકર્તાઓમાં થઈ ગયા છે એવું કહી શકાય. જનકભાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે.. ઓમ શાંતિ."