BREAKING NEWS

રાજકોટમાં સાઉથ ઇન્ડિયન વેપારીએ ૬૬ નંબર મગફળી રૂ.૧૩૮૫ના ભાવે ખરીદી

  • October 29, 2025 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડ ખાતેથી હવે સાઉથ ઇન્ડિયન વેપારીઓએ મગફળીની ખરીદી શરૂ કરી છે, આજે ૬૬ નંબર મગફળીનો નૂતન વર્ષનો પ્રથમ સોદો પ્રતિ ૨૦ કિલોના રૂ. ૧૩૮૫ના ભાવે થયો હતો. સૌરાષ્ટ્રમાં ૬૬ નંબર મગફળીનું વાવેતર ખૂબ ઓછું થાય છે અને તેના મોટા ભાગના ખરીદદારો દક્ષિણ ભારતના વેપારીઓ હોય છે.


વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, આજે પડધરી તાલુકાના દશેડા ગામના ત્રણ ખેડૂતો ૬૬ નંબર મગફળીનો જથ્થો લઇ હરરાજીમાં આવ્યા હતા અને આ જથ્થાની ચેન્નાઈના વેપારી દ્વારા સ્થાનિક વેપારી મારફતે ખરીદી કરાઈ હતી જેનો પ્રતિ ૨૦ કિલોનો ભાવ રૂ.૧૩૮૫ ઉપજ્યો હતો. આગામી દિવસોમાં ૬૬ નંબર મગફળીની વધુ આવક થશે અને પ્રતિ વર્ષની જેમ દક્ષિણ ભારતના વેપારીઓનું પ્રતિનિધિ મંડળ રાજકોટ માર્કેટ યાર્ડની મુલાકાતે આવશે.


અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ટોપ ક્વોલિટીની ૬૬ નંબર મગફળીનો ભાવ રૂ.૩૩૦૦ સુધી ઉપજ્યો હતો પરંતુ આ વર્ષે પાછોતરો વરસાદ વધુ વરસતા તેમજ હાલ શિયાળામાં માવઠાને કારણે મગફળીમાં ભેજ બેસી જતા ગુણવત્તા નબળી પડી છે જેના કારણે ઉપજવા જોઇએ તેવા ભાવ ઉપજતા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application