સુરત સ્થિત ડિફેન્સ ટેકનોલોજી સેક્ટરની અગ્રણી કંપની ઇન્સાઇડએફપીવીએ ભારતીય સંરક્ષણ ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીએ લદ્દાખના અત્યંત વિષમ વાતાવરણમાં અંદાજે ૧૮,૦૦૦ ફૂટની બર્ફીલી ઊંચાઈ પર એક્ટિવ ઈલેક્ટ્રોનિક વોરફેર (ઇડબલ્યુ) સિસ્ટમ વચ્ચે પોતાના સંપૂર્ણ સ્વદેશી કામિકાઝે એફપીવી ડ્રોન ‘અદ્વિક’નું સફળ પરીક્ષણ પૂર્ણ કર્યું છે.
આ ડ્રોનની સૌથી મોટી ખાસિયત તેની અજેય ગુણવત્તા અને કમાલની એન્ટી-જામિંગ ક્ષમતા છે. હવામાં અત્યાધુનિક ડ્રોન ડિફેન્સ સિસ્ટમ અને જામર્સ સક્રિય હોવા છતાં, અદ્વિક ડ્રોને પોતાની ઉડાન તેમજ કમ્યુનિકેશન લિંક અવિરત અને મજબૂત જાળવી રાખી હતી. ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓની પ્રત્યક્ષ હાજરીમાં તમામ સફળ ટ્રાયલ્સ પૂરા થયા બાદ હવે આ આધુનિક ડ્રોન વિધિવત રીતે સેનાને સોંપી દેવામાં આવ્યું છે.
આધુનિક યુદ્ધના મેદાનમાં નાના એટેક કે આત્મઘાતી ડ્રોન માટે સૌથી મોટો અને ઘાતક પડકાર ઈલેક્ટ્રોનિક વોરફેરનો રહ્યો છે. તાજેતરના યુક્રેન અને રશિયા યુદ્ધમાં પણ બંને પક્ષોએ મોટા પાયે કમ્યુનિકેશન જામિંગના કારણે પોતાના હજારો એફપીવી ડ્રોન ગુમાવ્યા છે. સામાન્ય રીતે જ્યારે દુશ્મન દેશનું જામર ડ્રોન અને તેના ઓપરેટર વચ્ચેની રેડિયો ફ્રીક્વન્સી લિંક તોડી નાખે છે, ત્યારે ડ્રોન નિયંત્રણ બહાર થઈને ક્રેશ થઈ જાય છે અથવા મિશન નિષ્ફળ નીવડે છે. આવી ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે વિદેશથી મોંઘી ટેક્નોલોજી આયાત કરવાને બદલે ભારતમાં જ સુરક્ષિત, મજબૂત અને સ્વદેશી કમ્યુનિકેશન લિંક વિકસાવવી ખૂબ જરૂરી બની ગઈ હતી.
આ પડકારને ઝીલીને સુરતની ઇન્સાઇડએફપીવી કંપનીએ બહારના દેશોમાંથી તૈયાર પાર્ટ્સ ખરીદવાને બદલે પોતાની સંપૂર્ણ ઇન-હાઉસ કમ્યુનિકેશન લિંક તૈયાર કરીને આ જટિલ સમસ્યાનો સફળ તોડ કાઢ્યો છે. કંપનીના એન્જિનિયરોએ કસ્ટમ હાર્ડવેર અને એન્ટેના રેક સિસ્ટમ વડે મલ્ટિપલ આરએફ (રેડિયો ફ્રીક્વન્સી) સિસ્ટમ્સને એકસાથે જોડી છે, જેથી દુશ્મનના ભારે ઈલેક્ટ્રોમેગ્નેટિક હુમલા કે જામર્સ વચ્ચે પણ સિગ્નલ તૂટતું નથી. આ નવીનતમ સફળતા અંગે વિગતો આપતા કંપનીના સીટીઓ દેવ્યંત ભારદ્વાજે જણાવ્યું હતું કે, મોટાભાગના નિષ્ણાતો માને છે કે એન્ટી-જામિંગ ક્ષમતા મેળવવા માટે ડ્રોન કદમાં ખૂબ ભારે અને મોંઘું હોવું જોઈએ, પરંતુ અમે એક અત્યંત હલકું, અત્યંત સસ્તું અને કોમ્પેક્ટ ડ્રોન બનાવ્યું છે, જેને અત્યાર સુધીનું કોઈ પણ જામર રોકી શક્યું નથી.
ડ્રોનના આ આકરા પરીક્ષણ માટે લદ્દાખના દુર્ગમ વિસ્તારની પસંદગી ખાસ રણનીતિના ભાગરૂપે કરવામાં આવી હતી. સમુદ્ર સપાટીથી ૧૮,૦૦૦ ફૂટની તોતિંગ ઊંચાઈએ હવાની ઘનતા ખૂબ પાતળી હોય છે, જે ડ્રોનના એરોડાયનેમિક્સ અને પ્રોપેલરની એન્જિન ક્ષમતામાં ભારે ઘટાડો કરે છે. આ ઉપરાંત, તીવ્ર માઈનસ તાપમાન ડ્રોનની બેટરીની કાર્યક્ષમતા પર પ્રતિકૂળ અસર પાડે છે. આવા અત્યંત કપરાં હવામાન, પાતળી હવા અને સક્રિય જામિંગ વચ્ચે પણ ‘અદ્વિક’ ડ્રોને હવામાં સંપૂર્ણ સ્થિરતા સાથે સફળ ઉડાન ભરી હતી. આ ટ્રાયલ્સ અંગે ખુશી વ્યક્ત કરતા કંપનીના પ્રતિનિધિઓએ જણાવ્યું કે, જો અમારું ડ્રોન લદ્દાખ જેવી આવી અતિ વિષમ અને કઠિન પરિસ્થિતિઓમાં અચૂક કામ કરી શકતું હોય, તો તે દેશની દેશના કોઈ પણ ખૂણે કે સરહદ પર પૂરી સક્ષમતાથી મિશન પાર પાડી શકે છે.
હાલમાં વિશ્વભરમાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષો સ્પષ્ટપણે દર્શાવે છે કે આધુનિક યુદ્ધો માત્ર ઊંચી ટેક્નોલોજીથી નહીં, પણ હથિયારોના મોટા સંખ્યાબળથી પણ જીતાય છે. આ અંગે પોતાના વિચારો રજૂ કરતા નિવૃત્ત મેજર જનરલ વિકાસ શર્માએ જણાવ્યું હતું કે, આધુનિક યુદ્ધક્ષેત્રમાં ભારતીય સેનાને દુશ્મન દેશના ઠેકાણાઓ પર સચોટ અને વિધ્વંસક પ્રહાર કરવા માટે અંદાજે એક લાખ જેટલા ઓછી કિંમતના સસ્તા કામિકાઝે ડ્રોનની તાકીદે જરૂર છે. આ વિશાળ લક્ષ્ય ત્યારે જ શક્ય બને જ્યારે તેનું સંપૂર્ણ ડિઝાઇનિંગ અને ઉત્પાદન 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ ભારતમાં જ થાય, જેથી તેનો ઉત્પાદન ખર્ચ ઓછો રહે અને દેશના સૈનિકો દુશ્મનના જામર્સ સામે હંમેશા એક ડગલું આગળ રહીને વિજય મેળવી શકે.