BREAKING NEWS

રાજકોટમાં ફોર ટ્રેક પ્રોજેક્ટ હેઠળ બેકબોન એજન્સી દ્વારા નિર્માણ થતો બ્રિજ વચ્ચેથી ધસી પડ્યો, રૂડાના સીઇએનું બચાવનામું

  • December 23, 2025 04:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા) દ્વારા ન્યૂ રિંગ રોડને ફોર ટ્રેક બનાવવાના પ્રોજેક્ટ અંતર્ગત કણકોટ રોડથી કોરાટ ચોક જતા રસ્તે કોન્ટ્રાક્ટર એજન્સી બેકબોન દ્વારા ફ્લાય ઓવર બ્રિજનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું, દરમિયાન આજે સવારે એકાએક આ બ્રિજ વચ્ચેના હિસ્સામાંથી નમી પડ્યો હોવાનું સામે આવતા દોડધામ મચી ગઇ હતી, અલબત્ત સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.


દરમિયાન આ મામલે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓથોરિટી જી.વી.મિયાણીએ જણાવ્યું હતું કે કુલ ત્રણ બ્રિજનું કામ અંદાજિત રૂ.૧૪ કરોડના ખર્ચે બેક બોન એજન્સીને આપવામાં આવ્યું હતું તે ત્રણ બ્રિજ પૈકી એક બ્રિજનું કામ ઇન્ચાર્જ એક્ઝિક્યુટિવ એન્જિનિયર વી.બી. સાવલિયાએ કરેલા ઇન્સ્પેક્શન દરમિયાન નબળું જણાતા તે દૂર કરવા સુચના અપાઇ હતી જેથી કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા જ આ હિસ્સો દૂર કરવા કાર્યવાહી કરાઇ હતી. બ્રિજનો હિસ્સો ધરાશાયી થયો નથી પણ નબળો હિસ્સો દૂર કરાયો છે.


વિશેષમાં તેમણે ઉમેર્યું હતું કે, સ્લેબ તોડવાના કારણ અંગે જણાવવાનું કે, કાર્યપાલક ઈજનેરની સાઈટ વિઝીટ દરમ્યાન રોડની ડાબી બાજુ ચાલતા બ્રિજ-૩માં પ્રથમ સ્લેબની ક્રોંકિટ પોરીંગ કામગીરી દરમ્યાન લગાવવામાં આવેલ સપોર્ટની નીચે સેટલમેન્ટ થવાને કારણે ચેનલમાં નુકસાન થયેલ જણાયેલ જેથી તકેદારીના ભાગરૂપે એજન્સીને આ સ્લેબનું તમામ ક્રોંકીટ તથા સ્ટીલ રીમુવ કરવાની સુચના અપાયેલ હોય એજન્સી દ્વારા સ્લેબ રીમુવ કરવાની કામગીરી કરવામાં આવી હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિજ ઉપરથી દરરોજ હજારો વાહનચાલકો તંત્રવાહકોના ભરોસે નિશ્ચિંત બનીને પસાર થતા હોય છે ત્યારે જાહેર જન હિતમાં ગુણવત્તામાં કોઇ બાંધ છોડ ન કરાય તે ઇચ્છનિય છે. જરૂર જણાયે રૂડા ચેરમેનએ પણ ઉપરોક્ત પ્રોજેક્ટની સાઇટ વિઝીટ કરી નાગરિકોને સલામતીનો અહેસાસ કરાવવો જોઇએ.


મોટામવા બ્રિજમાં પણ નબળો પાયો ભર્યો 'તો

રાજકોટ મહાપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના કાલાવડ રોડને સિકસ ટ્રેક બનાવતા પૂર્વે મોટામવા સ્મશાન પાસેથી નીકળતી ન્યારી નદીનો બ્રિજ પહોળો બનાવી મજબૂતીકરણ અને નવીનીકરણ કરવાના પ્રોજેક્ટની કામગીરી પણ ઉપરોક્ત બેકબોન એજન્સી ને સોંપાઇ હતી તે પ્રોજેક્ટમાં મહાપાલિકાની ટેકનિકલ વિજિલન્સના ચેકિંગ અને સેમ્પલિંગ દરમિયાન પાયો નબળો ભર્યો હોવાનું સામે આવતા પાયો તોડવામાં આવ્યો હતો અને નવેસરથી કામગીરી કરાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News