વાંકાનેરના ઢૂવા નજીક કયુટન સીરામીક કંપનીમાં રિવર્સમાં આવતી કારે દોઢ વર્ષની બાળકીને અડફેટે લેતા ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. બાળકી કંપનીમાં રમતી હતી ત્યારે કલરકામ માટે આવેલા કારચાલકે કાર સ્પિડથી પાછળ લેતા બાળકીને ઠોકરે લેતા બનાવ બન્યો હતો. માસુમના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે.
બાળકી ત્રણ ભાઇની એકની એક બહેન હતી
બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ એમપીના અને વાંકાનેરના વઘાસીયા-ઢૂવા વચ્ચે આવેલી કયુટન સીરામીક કંપનીમાં કામ કરતા અને ત્યાંજ લેબર ક્વાર્ટરમાં રહેતા જીતેશ સુરપસિંગ ઠાકુરની દોઢ વર્ષની પુત્રી આયુષી ગત તા.20ના કંપનીમાં રમતી હતી ત્યારે કલરકામ માટે આવેલા વ્યક્તિએ કાર રિવર્સમાં લેતા બાળકી ઠોકરે ચડી જતા ગંભીર ઇજા થતા પ્રથમ વાંકાનેર અને ત્યાંથી રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. બાળકી ત્રણ ભાઇની એકની એક બહેન હતી. આગળની તપાસ વાંકાનેર પોલીસે હાથ ધરી છે.