રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ગુનેગારોમાં પોલીસનો ખોફ પેદા કરવા માટે રાજકોટ શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને એડિશનલ સીપી ચૈતન્ય માંડલીકની સીધી સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચે શહેરની અત્યંત કુખ્યાત અને ભયનું પ્રતીક ગણાતી 'ઈભલા ગેંગ' વિરુદ્ધ ગુજસીટોક (GCTOC) હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીથી રાજકોટના ગુનાખોરી જગતમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
૮૯ ગુનાઓનો કાળો ઈતિહાસ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ગેંગ શહેરના વિવિધ વિસ્તારોમાં લાંબા સમયથી સક્રિય હતી અને નિર્દોષ લોકોમાં ફાળ પેદા કરતી હતી. 'ઈભલા ગેંગ' વિરુદ્ધ અત્યાર સુધીમાં હત્યાની કોશિશ, લૂંટ, અપહરણ, ખંડણી અને રાયોટિંગ જેવા ગંભીર પ્રકારના કુલ ૮૯ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. વારંવાર જેલ જવા છતાં આ ગેંગના સભ્યોની ગુનાહિત પ્રવૃત્તિઓ અટકતી નહોતી, જેના કારણે પોલીસે આ વખતે સંગઠિત ગુનાખોરી નાબૂદ કરવા માટે 'ગુજસીટોક' જેવું કડક શસ્ત્ર ઉગામ્યું છે.
ગેંગના મુખ્ય સાગરીતો પોલીસ સકંજામાં
ક્રાઈમ બ્રાન્ચે આ ઓપરેશનમાં ગેંગના મુખ્ય સભ્યોને દબોચી લીધા છે. પોલીસની વિગતો મુજબ ગેંગ લીડર ઈબ્રાહીમ ઉર્ફે ઈભલો અને જાવેદ ઉર્ફે જવલો હાલ અન્ય ગુનાઓમાં જેલના સળિયા પાછળ છે. અન્ય ચાર મુખ્ય સાગરીતો - સલીમ ઉર્ફે સલીયો, મહેબૂબ ઉર્ફે મેભલો, અશરફ અને લખનને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય ૩ ગેંગ પણ પોલીસના રડારમાં
રાજકોટ પોલીસ કમિશનરે ગુનેગારોને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે, શહેરમાં સંગઠિત રીતે ગુના આચરતી ટોળકીઓને સાંખી લેવામાં આવશે નહીં. 'ઈભલા ગેંગ' પરની આ કાર્યવાહી તો માત્ર શરૂઆત છે. આગામી દિવસોમાં શહેરની અન્ય ત્રણ મોટી ગેંગ વિરુદ્ધ પણ પુરાવા એકત્ર કરી તેમની સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાની ખાતરી પોલીસે આપી છે.
ગુજસીટોક શું છે?
ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (GUJCTOC) એ સંગઠિત ગુનાખોરી અને આતંકવાદને ડામવા માટેનો કડક કાયદો છે. આ કાયદા હેઠળ ધરપકડ કરાયેલા આરોપીઓને જામીન મળવા અત્યંત મુશ્કેલ હોય છે અને પોલીસને તપાસ માટે વધુ સમય મળે છે, જેનાથી ગુનેગારો લાંબો સમય જેલવાસ ભોગવે છે.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની આ સફળ કામગીરીથી શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે અને પોલીસની આક્રમક છબીની પ્રશંસા થઈ રહી છે.