સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાના બીજા રાઉન્ડની ધમાકેદાર બેટિંગ વચ્ચે એક તરફ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તાલાલા તાલુકાના વડાળા ગીર ગામની સીમમાં ભેંસ ચરાવી રહેલા એક યુવાન ઉપર અચાનક આકાશી વીજળી ત્રાટકી હતી. વીજળી પડવાની આ ગંભીર ઘટનામાં યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જેના કારણે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
વેરાવળ-સોમનાથ પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ પર પાણી ભરાયા
બીજી તરફ, વેરાવળ-સોમનાથ પંથકમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આ ભારે વરસાદના પગલે શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતાં, જેને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે પણ ધોધમાર વરસાદના પગલે વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ હતી અને દર્શનાર્થીઓએ પણ વરસાદી માહોલનો આનંદ માણ્યો હતો.
જૂનાગઢના માળિયા-હાટીના અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘસવારી
જૂનાગઢ જિલ્લાના માળિયા-હાટીના શહેર તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. માળિયા-હાટીના ઉપરાંત ખંભાળિયા, ખોડાદા, કુકસવાડા અને આરેણા સહિતના પંથકમાં મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે. લાંબા સમયના વિરામ બાદ શરૂ થયેલા આ સાર્વત્રિક વરસાદના કારણે માર્ગો પર પાણી વહેતા થયા છે અને ખેતરોમાં પણ પાણી ભરાયા છે.
અગાઉ વરસાદના વિરામને કારણે પાકને સુકાઈ જવાનો ડર સતાવી રહ્યો હતો, ત્યારે ચોમાસાના આ અંતિમ તબક્કામાં વરસેલો આ વરસાદ ખેતીના પાક માટે 'આશીર્વાદરૂપ' સાબિત થઈ રહ્યો છે, જેનાથી ધરતીપુત્રો અને ખેડૂતોના મુખ પર મોટી રાહત અને ખુશી જોવા મળી છે.