BREAKING NEWS

કન્સ્ટ્રકશનના ધંધાર્થીની ચાલુ કાર ભડકે બળી, એક્ટિવાચાલકે ધ્યાન દોરતા તુરંત બહાર નીકળતા બચાવ, રાજકોટનો બનાવ

  • October 28, 2025 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં બાપા સીતારામ ચોક પાસે આલાપ રેસીડેન્સીના ગેટ નજીક કન્સ્ટ્રકશનના ધંધાર્થી યુવાનની ચાલુ કારમાં આગ ભભૂકી ઉઠી હતી. દરમિયાન પાછળથી આવતા એકટિવા ચાલકે ધ્યાન દોરતા તે તુરંત નીચે ઉતરી જતા ચમત્કારિક બચાવ થયો હતો. આગમાં કારનો આગળનો ભાગ અને બે ટાયર બળી જતા રૂ.૬ લાખનું નુકશાન થયું હતું. વાયરીંગમાં શોટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે તાલુકા પોલીસે જાણવા જોગ એન્ટ્રી કરી ધોરાણસરની કાર્યવાહી કરી હતી.

આગની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુબજ, પડધરીના ન્યારા ગામે રહેતા કન્સ્ટ્રકશનના ધંધાર્થી હાર્દિકભાઇ વિનોદભાઇ લુણાગરીયા(ઉ.વ ૨૭) પોતાની ક્રેટા કાર નં.જીજે ૩ કે.એચ. ૧૩૩૯ લઇ સાંજના છ વાગ્યા આસપાસ ગોંડલ ચોકડીએ પોતાની બાંધકામ સાઇટ પરથી ઘરે પરત જતા હતાં. તેઓ બાપા સીતારામ ચોક પાસે આલાપ રેસીડેન્સીના ગેટ નજીક પહોંચતા કારમાં એકાએક આગ લાગી હતી. કારમાં પાછળનાભાગેથી ધુમાડા નીકળતા હોય દરમિયાન એકટિવાચાલકે કાર રોકાવી આગ લાગ્યાની જાણ કરતા હાર્દિકભાઇ તુરંત કારની બહાર આવી ગયા હતાં.


આગમાં કારમાં બોનેટથી લઇ ડ્રાઇવર સીટ સુધીનો ભાગ તથા કારના આગળના બે ટાયર બળીને ખાખ થઇ જતા અંદાજિત રૂ.૬ લાખનું નુકશાન થયું હતું. કારમાં વાયરીંગમાં શોટ સર્કિટ થવાના લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે આગની આ ઘટનામાં કારચાલક યુવાનનો ચમત્કારિક બચાવ થયો હતો. આગની ઘટનાને લઇ તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. ભોજભાઇ મોભ તથા સ્ટાફે બનાવસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી આ અંગે જાણવા જોગ નોંધ કરી હતી.


કુચીયાદડમાં હોટેલ પાસે પાર્ક કરેલા ટ્રકમાં આગ

રાજસ્થાનના બાડમેર જિલ્લાના જાખડોકી ધાણીનો વતની ટ્રક ચાલક ઠાકરરામ ભોમારામ જાટ(ઉ.વ ૩૩) એ તા. ૨૧/૧૦ ના રાત્રીના સાડા આઠ વાગ્યા આસપાસ કુચીયાદડ ગામની સહકારી મંડળી પાસે આવેલી હોટેલ શકિતકૃપા પાસે ખુલ્લા પ્લોટમાં ટ્રક પાર્ક કરી હોટેલમાં જમવા ગયો હતો. બાદમાં રાત્રીના સાડા અગીયાર વાગ્યે પરત આવતા અહીં ટ્રકમાં આગ લાગ્યાનું માલુમ પડયું હતું. જેમાં ટ્રક ટ્રેઇલરના મોરાના ભાગે આગ લાગતા બહારની સાઇડ બળી ગઇ હતી. તેમજ રેડીયેટર અને વાયરીંગ પણ બળી ગયું હતું. આ અંગે એરપોર્ટ પોલીસે જાણવા જોગ એન્ટ્રી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application