રાજકોટના મેયર નયનાબેન પેઢડીયાના વોર્ડ નં.૪માં તેમના પડોશમાં આવેલ ગુરૂદેવ પાર્કની મહિલાઓનું ટોળું આજે બપોરે મહાપાલિકા કચેરી ખાતે રસ્તા અને પાણી પ્રશ્ને ધસી આવ્યું હતું, મહિલાઓએ આક્રોશભેર જણાવ્યું હતું કે અમે મેયરના પડોશમાં રહીએ છીએ અને રસ્તા- પાણી પ્રશ્ને ત્રણ મહિનાથી રજુઆત કરીએ છીએ છતાં કોઇ નિરાકરણ આવતું નથી તેમજ મેયરની ઘરે રજૂઆત કરવા જતા તેમના પતિદેવ ઘરે ફરિયાદ કરવા નહીં આવવાનું તેમ કહીં અમને કાઢી મૂકતા હોય આજે કચેરીમાં ફરિયાદ કરવા આવ્યા છીએ.
વિશેષમાં મહિલાઓએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર શહેરમાં ડામરકામ ચાલે છે અને નવા રસ્તા બની રહ્યા છે, કુવાડવા રોડ ઉપર પણ ડામર થઇ ગયો છે પરંતુ કુવાડવા રોડ ઉપર વોર્ડ નં.૪ના ગુરૂદેવ પાર્કની શેરીઓમાં ડીઆઇ લાઇન નાખવા માટે આડેધડ ખોદકામ કર્યા બાદ વારંવાર રજૂઆતો છતાં ડામર કામ કરાતું નથી. વાહન ચલાવવું તો દૂર ચાલવું પણ મુશ્કેલ બને તેટલા ખરાબ રસ્તા છે.
આ ઉપરાંત હાલ ડીઆઇ લાઇન નાખવાની કામગીરી ચાલુ છે તેમ છતાં પૂરતું પાણી મળતું ન હોય ભરશિયાળે પાણીના ખાનગી ટેન્કર ખરીદવા ફરજ પડી રહી છે. આજે બપોરે રસોઈ બનાવવાનું પડતું મૂકીને અમે મેયર ચેમ્બરમાં મેયરને રજુઆત માટે આવ્યા છીએ તેમ મહિલાઓએ જણાવ્યું હતું.
દરમિયાન આ મામલે ઇસ્ટ ઝોન સિટી એન્જિનિયરએ જણાવ્યું હતું કે ડીઆઇ લાઇનનું ટેસ્ટીંગ ચાલી રહ્યું હોય પાણી વધતું ઓછું મળતું હોય તેવું બની શકે છે તેની તપાસ કરાવીશું, અગાઉ લાઇનમાં ક્ષતિને કારણે તે લોકોને વધુ પાણી મળતું હતું અને હવે નિયમ મુજબ પૂરી ૨૦ મિનિટ મળે છે તેથી તેમને પાણી ઓછું મળતું જણાય છે તેમ છતાં તપાસને અંતે યોગ્ય કાર્યવાહી કરાશે. જ્યારે ગુરૂદેવ પાર્કની શેરીઓમાં ડામરકામ મંજૂર થયેલું છે પરંતુ ક્રમ મુજબ તબક્કાવાર થતું હોય ટૂંક સમયમાં તેમની સોસાયટીનો વારો આવશે એટલે ડામરકામ પણ થઇ જશે.
હું એક્ટિવા ઉપર રોજ વિસ્તારમાં ચક્કર લગાવું છું, સમસ્યાનો ખ્યાલ હોય જ : મેયર
મેયરના પડોશની ગુરૂદેવ પાર્કની સોસાયટીની મહિલાઓનું ટોળું આજે મેયરને રસ્તા અને પાણી પ્રશ્ને રજૂઆત કરવા માટે ધસી આવ્યું હતું. દરમિયાન આ મામલે પ્રતિક્રિયા વ્યક્ત કરતા મેયર નયનાબેન પેઢડિયાએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુરૂદેવ પાર્ક વિસ્તારમાં અનેક ભૂતિયા નળ જોડાણો હતા જે ડીઆઇ લાઇન નાખતા દૂર થયા છે તેથી તેમને પાણી ઓછું પડે છે ! રસ્તાની હાલત ખરાબ થવાનું કારણ ડીઆઇ લાઇન માટેનું ખોદકામ છે, ટૂંક સમયમાં ત્યાં ડામરકામ થશે. હું એક્ટિવા લઈને રોજ વિસ્તારમાં ચક્કર લગાવું છું તેથી સમસ્યાઓનો ખ્યાલ હોય જ.