લેન્ડ ફોર જોબ્સ કેસમાં રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારની મુશ્કેલીઓ વધી રહી છે અને તેમની સામે આરોપો ઘડાય તેવી શક્યતા નકારી શકાતી નથી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ આજે ગુરુવારે પોતાનો ચુકાદો આપે તેવી અપેક્ષા છે. સીબીઆઈએ આ કેસમાં મોટા કૌભાંડનો આરોપ લગાવતા ચાર્જશીટ દાખલ કરી દીધી છે. સીબીઆઈએ લાલુ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ સહિત 100 થી વધુ લોકોને આરોપી તરીકે નામ આપ્યા છે.આરોપો છે કે જ્યારે લાલુ યાદવ રેલ્વે મંત્રી હતા, ત્યારે ગ્રુપ ડી નોકરીઓ માટે લાલુ યાદવના પરિવારને જમીન ટ્રાન્સફર કરવામાં આવી હતી અને ભરતીઓ અન્યાયી રીતે કરવામાં આવી હતી. આ ચુકાદો 4 ડિસેમ્બર સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો.જે આજે જાહેર થઈ શકે.
10 નવેમ્બરના રોજ, ખાસ સીબીઆઈ ન્યાયાધીશ વિશાલ ગોગણેએ લાલુ યાદવ અને અન્ય લોકો વિરુદ્ધ આ કેસમાં કથિત સંડોવણી બદલ સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલા કેસની સુનાવણી કરતી વખતે, ચુકાદો 4 ડિસેમ્બર સુધી મુલતવી રાખ્યો હતો. કોર્ટ ગુરુવારે આરોપો ઘડવા માટે પૂરતા પુરાવા છે કે કેમ તે અંગે નિર્ણય આપે તેવી અપેક્ષા છે. સીબીઆઈએ લાલુ યાદવ, તેમની પત્ની અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, તેમના પુત્ર અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને અન્ય લોકો સામે કથિત કૌભાંડના સંદર્ભમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
જબલપુરમાં ભરતી કૌભાંડ થયું હોવાનો પ્રોસિક્યુશન પક્ષનો આરોપ
પ્રોસિક્યુશન પક્ષે આરોપ લગાવ્યો છે કે લાલુ યાદવના રેલ્વે મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન મધ્યપ્રદેશના પશ્ચિમ મધ્ય રેલ્વેના જબલપુરમાં ગ્રુપ ડી શ્રેણીઓમાં નિમણૂકોના બદલામાં જમીન આરજેડી સુપ્રીમોના પરિવાર અથવા સહયોગીઓને ટ્રાન્સફર કરવામાં આવી હતી. તેઓ 2004 થી 2009 સુધી રેલ્વે મંત્રી હતા. સીબીઆઈએ એવો પણ દાવો કર્યો છે કે નિમણૂકો ધોરણોનું ઉલ્લંઘન કરીને કરવામાં આવી હતી અને વ્યવહારોમાં બેનામી મિલકતોનો સમાવેશ થતો હતો, જે ગુનાહિત ગેરવર્તણૂક અને કાવતરું સમાન હતું. આરોપીઓએ આરોપોને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે આ કેસ રાજકીય રીતે પ્રેરિત છે.