BREAKING NEWS

એવા બદનામ કરીશું કે આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ નહીં રહેઃ રાજકોટમાં તબીબને લેભાગુ પત્રકારોને આપી હતી આવી ધમકી

  • March 21, 2026 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​રાજકોટ શહેરના એક જાણીતા ડૉક્ટરને તેમની સ્ત્રી મિત્ર સાથેની અંગત પળોના વીડિયો બનાવી બ્લેકમેઈલ કરવાના મોટા રેકેટમાં સાયબર ક્રાઈમે મોટો ધડાકો કરી તોડ બાજ ખંડણીખોર ગેંગનો પર્દાફાશ કર્યો હતો આ ચકચારી તોડકાંડમાં મુખ્ય સૂત્રધાર એવા ડૉ. કમલ નાંઢા સહિત કહેવાતા વિવિધ અખબારો અને ન્યૂઝ પોર્ટલ સાથે જોડાયેલા અને બની બેઠેલા ૧૨ જેટલા કહેવાતા પત્રકારો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ સમગ્ર ખંડણીખોરી અંગે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે ​આ હનીટ્રેપ અને તોડબાજીના રેકેટને ખુલ્લું પાડવા માટે એસીપી ક્રાઇમ ચિંતન પટેલ અને તેમની ટીમ દ્વારા વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.


ટેકનિકલ સર્વેલન્સ અને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે આ ટોળકીની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકી વ્યવસ્થિત રીતે જાળ બિછાવીને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને નિશાન બનાવતી હતી.


​ઘટનાની વિગતો મુજબ, સાધુ વાસવાણી રોડ પર આવેલા ગૌતમ ક્લિનિકમાં આરોપી ડૉ. કમલ નાંઢાએ ષડયંત્ર રચી ક્લિનિકમાં હિડન કેમેરો લગાવ્યો હતો. આ કેમેરામાં ફરિયાદી ડૉક્ટર અને તેમની સ્ત્રી મિત્રના વીડિયો ઉતારી લેવામાં આવ્યા હતા.



પોલીસે આ ૧૨ શખ્સો સામે નોંધ્યો ગુનો


​રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે તપાસના અંતે ડૉ. કમલ નાંઢા, હિરેન મકવાણા, અજયસિંહ ચુડાસમા, હાર્દિક ડોડીયા, જગદીશ તેરૈયા, જીગર સોઢા, ઘનશ્યામ પટેલ, જતીન નથવાણી, સ્વાતિ નથવાણી, અમિત ઠક્કર અને ભરતભાઈ સહિત ૧૨ સામે ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત તપાસમાં જે અન્ય શખ્સોના નામ ખુલશે તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.


એવા બદનામ કરીશું કે આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે


તોડબાજ ટોળકીનો ભોગ બનનાર તબીબે જણાવ્યું હતું કે પાંચેક વર્ષ પૂર્વે તેણે સાધુ વાસવાણી રોડ પર શરૂ કરેલા બીજા ક્લિનિકમાં તેની અંગત પળોનો વીડિયો તેને ૨૦૨૪ની સાલનાં જૂન મહિનામાં એક વોટસએપ નંબરથી મોકલાયો હતો. બાદમાં તે નંબર ઉપરથી તેની પાસે ૫૦ લાખની માંગ કરી જો રકમ ન મળે તો જીવવા જેવા નહીં રહેવા દેશું તેવી ધમકી અપાઈ હતી. ત્યાર પછી ૨૦૨૬ની સાલમાં એક ઇન્સ્ટા આઈડીમાં કાર્ટુન ટાઈપ લેડિઝ અને જેન્ટસનો કિસ કરતો ફોટો મૂકી તેમાં નામાંકિત તબીબનો કામુકતાભર્યો વીડિયો ચર્ચાના ચગડોળે તેવું કેપ્શન મુકાયું હતું.

ગત ફેબ્રુઆરી માસમાં અમદાવાદથી ઘનશ્યામ પટેલે પોતાની પાસે તેનો વીડિયો હોવાની પૂષ્ટી કરવા કોલ કર્યાનું જણાવ્યું હતું. એટલું જ નહીં તેને અમદાવાદ રૂબરૂ મળવા બોલાવ્યા હતા. પરંતુ તેણે ઈન્કાર કરતાં બીજા દિવસે જીગર સોઢાએ આવી પોતાના બોસ ઘનશ્યામ પટેલે રૂબરૂ મોકલ્યાનું કહ્યું હતું. જેણે જોઈ લેવાની ગર્ભિત ધમકી આપી હતી,તેના ચાર દિવસ બાદ હિરેન મકવાણા પાસે વીડિયો હોવાનું અને એવા બદનામ કરશું કે આત્મહત્યા. સિવાય કોઈ રસ્તો નહીં રહે તેવી ધમકી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application