BREAKING NEWS

જામનગરમાં કોંગ્રેસનો ગઢ ગણાતા વોર્ડ નં.૧૨માં ખરાખરીનો જંગ નિશ્ર્ચિત

  • December 03, 2025 06:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર મહાનગરપાલીકાના ૧૬ વોર્ડમાંથી વોર્ડ નં.૧ અને વોર્ડ નં.૧૨ કોંગ્રેસના મજબુત ગઢ ગણવામાં આવે છે તેમાંય વોર્ડ નં.૧૨માં તો અત્યાર સુધી એવા નગરસેવકો વિપક્ષની છાવણીમાં બેઠાં છે કે જેમણે ભૂતકાળમાં અનેક વખત સતાની નાકે દમ લાવી દીધો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ વોર્ડમાં કોંગ્રેસની છાવણીમાં જે ઉથલપાથલો થઇ રહી છે અને આજે જેનો એક નાનકડો કલાઇમેકસ પણ આવ્યો છે તેના પરથી એવા સવાલ ઉઠયા છે કે શું કોંગ્રેસનું આધિપત્ય આ વોર્ડમાં ખતરામાં આવી જશે ? કે પછી કોંગી પોતાની આબરૂ બચાવવામાં સફળ થશે ?, ચૂંટણીના પડઘમ વાગવાની આરે છે અને એ પહેલા જ મેજર ફેરફારો થવાનું અત્યારથી શરૂ થઇ ગયું છે. 


ગત મહાનગરપાલીકાની ચૂંટણીમાં ૧૬ વોર્ડની ૬૪ બેઠકમાંથી સતાધારી ભાજપને ૫૦, કોંગ્રેસને ૧૧, બસપાને ૩ બેઠક પ્રાપ્ત થઇ હતી, સ્વભાવીક રીતે વોર્ડ નં.૧૨ની ચારેય બેઠક પર કોંગીના ઉમેદવારોએ રેકર્ડબ્રેક મત મેળવીને જીત પ્રાપ્ત કરી હતી. એક સમય એવો હતો જયારે વિપક્ષની છાવણીમાં અસલમ ખીલજી, અલ્તાફ ખફી, રચનાબેન નંદાણીયા, જૈનબબેન ખફી, આનંદ રાઠોડ સહિતના એવા નામ હતાં જે સતાધારીઓ માટે માથાનો દુ:ખાવો સાબીત થતાં હતાં અને આ વોર્ડના દેખાવથી ખરેખર સતાધારી ભાજપ પરેશાન હતું. 


ગત ચૂંટણી બાદ કોઇપણ કારણે વોર્ડ નં.૧૨માં ધીમે-ધીમે કોંગ્રેસના ગઢમાં કાંગરા ખરવાનું શરૂ થયું હતું અને લગભગ આઠેક માસ પહેલા વોર્ડ નં.૧૨ના મજબુત ચહેરા અને પૂર્વ વિપક્ષી નેતા અસલમ કરીમ ખીલજીને ૬ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં, અહીંથી જ કહેવાય છે કે, કોંગ્રેસની મજબુત દીવાલ તુટવાનું વોર્ડ નં.૧૨માં શરૂ થયું હતું.


આ પછી વિપક્ષ દ્વારા જે કાર્યક્રમો વિરોધરૂપી અપાતા હતાં તેમાં પણ સંખ્યાની દ્રષ્ટિએ અસર જોવા મળતી હતી, આમ પણ રાજકીય દ્રષ્ટિએ પથારી પર પડેલા કોંગ્રેસ પક્ષની દશા વેન્ટીલેટર પર આવ્યા જેવી થતી જતી હતી.


જામ્યુકોની ચૂંટણી નજીક છે એવા સમયે જ કોંગીની એક વધુ લડાયક નગરસેવિકાએ પક્ષમાંથી રાજીનામુ આપી દીધું છે, જેનાથી એક બાબત તો સાબિત થઇ ગઇ છે કે, હવે આવનારી મહાનગરપાલીકાની ચૂંટણીમાં આ વોર્ડમાં કોંગ્રેસને લઇને ઘણી નવા-જુની થઇ શકે છે. 


જે અનડીકલેર્ડ જુથવાદ છે તેને લઇને કદાચ રાજીનામુ આપનાર નગરસેવિકાને એ વાતની ગંધ આવી ગઇ હશે કે, આવનારી ચૂંટણીમાં કોંગ્રેસમાંથી એમનું પત્તુ કપાવાનું છે એટલે જ એમણે પારોઠના પગલા લઇને પહેલેથી જ આ પક્ષ સાથે છેડો ફાડી દીધો છે અને અવગણના થતી હોવાનું જાહેર કર્યુ હોવાથી આ વાતને એક રીતે સમર્થન પણ મળે છે. 


વોર્ડ નં.૧૨ કોંગ્રેસ માટે એક સરળ જીત ગણવામાં આવે છે અને એ જ રીતે વોર્ડ નં.૧ પણ કોંગ્રેસ તરફી હોવાનું જગજાહેર છે. એટલે ૧૬માંથી ૨ વોર્ડ એવા છે કે જયાં ૮ નગરસેવકો તો જો સતા ન આવે તો વિપક્ષની છાવણીમાં ૧૦૦ ટકા બેસવાના છે. 


ભાજપ આ બાબત સુપેરે જાણે છે કે, વોર્ડ નં.૧ અને ૧૨માં ગમે તેટલી વ્યુહરચના બનાવે પરંતુ ત્યાં સફળતા મળવાની નથી એટલે કોંગ્રેસના ગઢમાં જે ગાબડા પડી રહ્યા છે તેને લઇને ભારતીય જનતા પાર્ટી મનમાં મલકાતી હશે એ બાબત પણ સમજી શકાય. 


હવે આવનારી ચૂંટણીમાં વોર્ડ નં.૧૨માં શું થશે તેની ચર્ચા સ્વભાવીક રીતે રાજકીય આલમમાં તેજ બનશે, કારણ કે આ વોર્ડમાં હવે કદાચ ઘીના ઠામમાં ઘી ન પડે તો કોંગીના એવા મજબુત ચહેરા સામસામે ચૂંટણી મેદાનમાં હોઇ શકે જે કોંગ્રેસના ભવિષ્યને લઇને મોટો સવાલ સર્જી શકે છે. 


આજે રાજીનામુ આપનાર કોંગીની નગરસેવિકા બે ટર્મથી ચૂંટાતા હતાં, વિરોધ કરવાના કાર્યક્રમોમાં હંમેશા અગ્રેસર દેખાતા હતાં, એડવોકેટ હોવાથી આ સુશિક્ષીત ચહેરો કોંગી માટે મહીલાઓના મતદાનને આકર્ષી શકે એવો હતો.


બીજી તરફ છેલ્લી પાંચ ટર્મથી ચૂંટાતા આવેલા પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજી પણ કોંગીનું એક એવું નામ હતું જે વિરોધ છાવણીમાં રહીને સતાધારીઓની ખુરશીના પાયા હચમચાવા માટે સક્ષમ માનવામાં આવતા હતાં. 


હવે જયારે આ બંને કોંગ્રેસમાંથી બહાર થઇ ચૂકયા છે ત્યારે મહાનગરપાલીકાની ચૂંટણી પૂર્વે જો ડેમેજ ક્ધટ્રોલ ન થાય અને અસલમ ખીલજી તથા ઝૈનબ ખફી કોંગ્રેસની સામે ચૂંટણી લડે તો તમામ ૧૬ વોર્ડની ચૂંટણી અને વોર્ડ નં.૧૨ની ચૂંટણી અલગ બની રહેશે, તમામનું ફોકસ પણ આ વોર્ડના પરીણામ પર રહેશે એ બાબત સ્વભાવીક છે.


જુથવાદ એવી દીમક છે જે ગમે તેવા રાજકીય પક્ષના મજબુત પાયા પણ ખોખોલા કરી શકે છે અને આવો જ જુથવાદ વિપક્ષની નાની છાવણીમાં છેલ્લા કેટલાક સમયથી હોવાનું જગજાહેર છે, અગાઉ એ બાબતની એક અહેવાલમાં ટકોર પણ કરાઇ હતી કે, કોંગી પોતાના જ મજબુત ચહેરાઓને સાઇડલાઇન કરી રહ્યું છે, એ બાબત શું પ્રદેશ કોંગીના ઘ્યાન બહાર હશે ? કે પછી પ્રદેશ કોંગીની જ આંખો માટીના ચહેરાઓને ઓળખવામાં સક્ષમ નથી.


હાલની દ્રષ્ટિએ જોઇએ તો વોર્ડ નં.૧૨માં પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફીનું નામ તો કોંગ્રેસમાંથી નિશ્ર્ચિત જ હશે, બે સ્ત્રી જનરલ બેઠક છે, એક સહારાબેન મકવાણાનું નામ લગભગ નિશ્ર્ચિત મનાય છે, બીજી સ્ત્રી કોણ હશે તેનો જવાબ હવે મળશે અને એક પુરૂષ ઓબીસી બેઠક નવા રોટેશન મુજબ જાહેર થઇ છે. ઓબીસીના ચહેરા તરીકે કોંગી કોને પ્રમોટ કરે છે એ સમય બતાવશે. ખાસ કરીને મહત્વની વાત તો એ છે કે, કોંગ્રેસના ગઢમાં જે ઘમાસાન શરૂ થયું છે તેને ક્ધટ્રોલ કરવામાં પ્રદેશ કોંગ્રેસ ઉણી ઉતરશે તો આ વોર્ડની ચૂંટણી બળાબળના પારખા સમાન બની રહેશે. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application