વિસાવદરના નાની મોણપરી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બન્યાનું સામે આવ્યું છે. ગામના વાડી વિસ્તારમાં ચાર વર્ષના બાળકને સિંહણે ફાડી ખાતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. વન વિભાગની ટીમને બાળકનો લોહીલૂહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. બાળકના આખા શરીર પર સિંહણના દાંત અને નખથી ફાડી ખાધાના નિશાન જોવા મળ્યા હતા. ઘટનાસ્થળે વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને હુમલાખોર સિંહણને પકડવા માટે સાસણથી ખાસ રેસ્ક્યુ ટીમ બોલાવી છે. આ ઘટનાએ આખા વિસાવદર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ ફેલાવી દીધો છે, ખાસ કરીને રાત્રે વાડીએ જતા ખેડૂતો અને મજૂર પરિવારોમાં ભયની લાગણી વ્યાપી ગઈ છે.
નાની મોણપરી ગામમાં આજે વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની હતી. ગીરની સરહદે આવેલા આ વિસ્તારમાં વનરાજાની દહેશત વચ્ચે એક સિંહણે ચાર વર્ષના માસૂમ બાળકને ફાડી ખાધો હતો. વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા પરિવારનો પુત્ર વહેલી સવારે ગુમ થયો હતો, જેનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
વહેલી સવારે બાળક વાડીમાંથી અચાનક ગુમ થયો હતો
નાની મોણપરી ગામની સીમમાં આવેલી એક વાડીમાં શ્રમિક પરિવાર ખેત મજૂરીનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. આજે વહેલી સવારે આ પરિવારનો ચાર વર્ષનો પુત્ર અચાનક ગુમ થઈ ગયો હતો. પરિવારજનોએ ભારે શોધખોળ કરવા છતાં બાળકનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આ અંગે વાડી માલિકને જાણ કરવામાં આવતા, તેમણે તાત્કાલિક વન વિભાગને ફોન કરી બાળક ગુમ થયાની અને હિંસક પ્રાણી દ્વારા તેને ઉપાડી ગયા હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
આ ઘટનાની ગંભીરતાને જોઈને વન વિભાગની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. વનકર્મીઓએ આસપાસના વાડી વિસ્તાર અને ઝાડીઓમાં સઘન શોધખોળ હાથ ધરી હતી. આ શોધખોળ દરમિયાન નાની મોણપરી ગામની સીમ નજીકથી બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું. બાળકના શરીર પર સિંહણના હુમલાના સ્પષ્ટ નિશાન અને ઊંડા ઘા જોવા મળ્યા હતા. લોહીલુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું, પરંતુ કમનસીબે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
સ્થાનિકોમાં ફફડાટ અને વન વિભાગની કાર્યવાહી
વિસાવદર પંથક ગીરના જંગલની બોર્ડર પર હોવાથી અહીં અવારનવાર સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ ચડી આવતા હોય છે. વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, સવારે 9 વાગ્યાની આસપાસ વાડી માલિકનો ફોન આવ્યો હતો કે મજૂરનો દીકરો ગુમ છે. શોધખોળ બાદ બાળક મળી આવ્યું હતું પણ તેના પર સિંહણે હુમલો કર્યો હતો. હાલમાં આ હુમલાખોર સિંહણને પકડવા માટે સાસણથી ખાસ રેસ્ક્યુ ટીમ બોલાવવામાં આવી છે. સિંહણને ટ્રેક્યુલાઈઝર કરીને પાંજરે પૂરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ ઘટનાને પગલે વિસાવદરના ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે વાડીએ રખોલું કરવા જતા ખેડૂતો અને વાડીમાં રહેતા મજૂર પરિવારો પોતાના જીવને લઈને ચિંતિત બન્યા છે.