BREAKING NEWS

સિવિલ અને એઇમ્સ આરોગ્ય ક્ષેત્રે દૂરથી ડુંગર રળિયામણા

  • January 01, 2026 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સિવિલ હોસ્પિટલ તથા એઇમ્સ રાજકોટમાં સારવાર માટે આવતાં સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પર સરકારી આરોગ્ય તંત્રની ગંભીર બેદરકારીને કારણે જીવલેણ પરિસ્થિતિ ઊભી થઈ છે. આ મુદ્દે કોંગ્રેસના નેતા રોહિતસિંહ રાજપૂત દ્વારા દર્દીઓના સગાઓના સાથે રાખીને આજે કલેક્ટરને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક હસ્તક્ષેપ અને નિરાકરણની માંગ કરવામાં આવી છે.

કોંગ્રેસે રજૂઆતમાં ત્રણ અતિ ગંભીર મુદ્દાઓ રજૂ કરી જણાવ્યું કે સરકાર અને આરોગ્ય વિભાગની વહીવટી નિષ્ફળતાનો સીધો ભોગ નિર્દોષ દર્દીઓ બની રહ્યા છે. થેલેસેમિયા મેજર દર્દીઓને ડેસફેરેલ ઇન્જેક્શન છેલ્લા ત્રણ વર્ષથી ન મળવા તેમજ થેલેસેમિયા મેજર રોગથી પીડિત દર્દીઓને દર ૧૦–૧૫ દિવસે બ્લડ ચડાવવું ફરજિયાત હોય છે, જેના કારણે તેમના શરીરમાં આયર્નનું પ્રમાણ અત્યંત વધી જાય છે. આ વધેલા આયર્નના કારણે દર્દીઓને હૃદય, લીવર, સ્વાદુપિંડ, ડાયાબિટીસ જેવી ગંભીર તથા જીવલેણ તકલીફો સર્જાય છે, ખાસ કરીને ૧૮ વર્ષથી ઉપરના દર્દીઓમાં પરિસ્થિતિ વધુ ગંભીર બને છે.

આયર્ન લેવલને નિયંત્રણમાં રાખવા માટે દર્દીઓને દરરોજ ૪ થી ૬ ડેસફેરેલ ઇન્જેક્શન લેવું અનિવાર્ય છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના આદેશ મુજબ આ ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલમાંથી નિઃશુલ્ક આપવાનું હોવા છતાં, હકીકતમાં છેલ્લા ત્રણ વર્ષથી એક પણ ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલમાંથી દર્દીઓને આપવામાં આવ્યા નથી.

હાલ બજારમાં આ ઇન્જેક્શન રૂ. ૩૦૦ પ્રતિ દરે વેચાય છે. એટલે કે એક દર્દીને દરરોજ રૂ. ૧૨૦૦ થી ૧૫૦૦ સુધીનો ખર્ચ કરવો પડે છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે અશક્ય છે. આર્થિક અસમર્થતાના કારણે ઇન્જેક્શન ન લઈ શકતા દર્દીઓની હાલત સતત ગંભીર બની રહી છે.

સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા દર્દીઓના સગાને જણાવવામાં આવે છે કે તેમણે (સિવિલ હોસ્પિટલ) ઉપર સરકારમા રજૂઆત કરી છે અને સરકાર કંપનીને ઓર્ડર કરે છે, જ્યારે કંપની તરફથી કહેવામાં આવે છે કે સ્ટોક ઉપલબ્ધ નથી. પરંતુ હકીકત એ છે કે આ જ ઇન્જેક્શન ખાનગી બજારમાં સહેલાઈથી ઉપલબ્ધ છે ! આ ઇન્જેક્શન એકમાત્ર નોવર્ટિઝ કંપની બનાવે છે. અમારી જાણ મુજબ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ અને આ ફાર્મા કંપની વચ્ચે આર્થિક તથા વહીવટી ગૂંચવણના કારણે નિર્દોષ થેલેસેમિયા દર્દીઓ ગંભીર રીતે પીડાઈ રહ્યા છે.

જો સરકાર સિવિલ હોસ્પિટલને સીધી રીતે કંપની પાસેથી ઇન્જેક્શન ખરીદવાની મંજૂરી આપે તો પણ આ પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ આવી શકે, પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી વિવિધ વિભાગો એકબીજાને જવાબદારી ધકેલી રહ્યા છે જે અત્યંત શરમજનક બાબત છે.

બીજા આંખની સારવાર માટે પેરીમીટ્રી રિપોર્ટ ન મળવાની ગંભીર સ્થિતિ બાબતે રજુઆતમાં જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ તથા એઇમ્સ રાજકોટમાં આંખના ગંભીર રોગો, ખાસ કરીને ગ્લોકોમાના નિદાન માટે ફરજિયાત પેરીમીટ્રી ટેસ્ટ કરવાની ડોક્ટરો દ્વારા સૂચના આપવામાં આવે છે.

પેરીમીટ્રી એ આંખના વિઝ્યુઅલ ફીલ્ડ (દૃષ્ટિક્ષેત્ર) ચકાસવાનું ટેસ્ટ છે. આંખ સામે સીધી નજર રાખીને આસપાસ (ડાબે–જમણે, ઉપર–નીચે) કેટલી દૂર સુધી દેખાય છે અને ક્યાં ભાગમાં દેખાતું ઓછું છે કે નથી – તે આ ટેસ્ટ દ્વારા જાણવા મળે છે.

પરંતુ આ મહત્વપૂર્ણ ટેસ્ટ માટેની મશીનરી રાજકોટ સિવિલ હોસ્પિટલ તથા એઇમ્સ રાજકોટમાં લાંબા સમયથી બંધ હાલતમાં છે. કર્મચારીઓ અને દર્દીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં મશીન રિપેરિંગ અથવા બદલવાની કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં મોંઘા રિપોર્ટ કરાવવા મજબૂર થવું પડે છે અથવા સમયસર પેરીમીટ્રી ન થતા આંખની દૃષ્ટિ કાયમી રીતે જવાની ગંભીર શક્યતા ઊભી થાય છે. દર્દીઓ તથા ત્યા કાર્યરત કર્મચારીઓ દ્વારા જણાવ્યા મુજબ, સંબંધિત વિભાગના અધિકારીઓને અનેક વખત મશીન રિપેર કરવા અથવા નવી મશીનરી ઉપલબ્ધ કરાવવા બાબતે રજૂઆતો કરવામાં આવી છે, છતાં આજદિન સુધી કોઈ અસરકારક અને ગંભીર પગલાં લેવામાં આવ્યા નથી તે દુઃખદ બાબત છે.

ત્રીજા સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ તથા શબવાહિનીની ગંભીર અછત મુદ્દે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં હાલ કુલ ૫ એમ્બ્યુલન્સ, ૧ શબવાહિની અને ૧ છોટા હાથી સહિત કુલ ૭ વાહનો ઉપલબ્ધ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી વાહનો કોઈના કોઈ કારણોસર ખોટકાયેલા અથવા તો બંધ હાલતમા જ હોય જેથી ગંભીર અછત સર્જાઈ છે. નિયમ મુજબ સરકારી એમ્બ્યુલન્સ પ્રતિ કિલોમીટર રૂ. ૨ ના દરે મળવી જોઈએ, પરંતુ સરકારી વાહનો ન મળતાં દર્દીઓને ખાનગી એમ્બ્યુલન્સ માટે પ્રતિ કિલોમીટર રૂ. ૮ જેટલો ખર્ચ કરવો પડે છે. મૃત્યુ પામેલા દર્દીઓના સ્વજનો માટે પણ એકમાત્ર શબવાહિની ઉપલબ્ધ ન હોવાથી પાર્થિવ દેહને વતન લઈ જવામાં ભારે આર્થિક અને માનસિક પીડા સહન કરવી પડે છે.

હોસ્પિટલના પીઆરઓ જણાવ્યા મુજબ સરકાર સમક્ષ પાંચ નવી એમ્બ્યુલન્સની તાત્કાલિક માંગણી કરવામાં આવી છે, પરંતુ માંગણી ક્યારે પૂર્ણ થશે અને ત્યાં સુધી ગરીબ દર્દીઓને ક્યારે રાહત મળશે તે ગંભીર પ્રશ્ન બની રહ્યો છે.

આ પરિસ્થિતિનો લાભ લઈ ખાનગી એમ્બ્યુલન્સ અને શબવાહિની સંચાલકો ગરીબ દર્દીઓ પાસેથી મનફાવે તેવા ઊંચા દરો વસૂલી રહ્યા છે.જે સરાજાહેર લૂંટ સમાન છે. તેઓએ રજૂઆત સાથે માંગ કરી હતી હતી કે ત્રણેય મુદ્દાઓને ગંભીર માનવીય અને આરોગ્ય સંકટ તરીકે લઈ તાત્કાલિક કાર્યવાહી કરવા અને અંતમા રજૂઆતમા જણાવ્યુ હતુ કે તંત્રની બેદરકારીના કારણે કોઈ દર્દીનું જીવ જાય તો તેની જવાબદારી નક્કી થવી જોઈએ.તાત્કાલિક હસ્તક્ષેપ કરીને ગરીબ દર્દીઓને રાહત આપો તેવી માંગણી કરવામા આવી છે. કોંગ્રેસના રોહિતસિંહ રાજપૂતે જણાવ્યુ કે સરકાર તરફથી આ ત્રણેય બાબતે નિરાકરણ નહીં આવે તો જરૂર પડ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે રાજકોટ આવનાર છે તો દર્દીઓના સગાને સાથે રાખી રજુઆત કરીશું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application