રાજકોટના રેસકોર્સ મેદાનમાં ચાલી રહેલી હનુમાન કથામાં ગઇકાલે રાત્રીના સમયે અહીં આતશબાજીના કાર્યક્રમ દરમિયાન ફટાકડાનો તણખો વીઆઇપી ડોમ પર પડતા આગ લાગી હતી. જોકે સ્થળ પર જ ફાયર બ્રિગેડની ટીમ તૈનાત હોય તેમણે તુરંત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. કથામાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા આવતી હોય સદભાગ્યે આગની આ ઘટનામાં કોઇ જાનહાની થવા પામી ન હતી.
રાજકોટમાં તા.27 ડિસેમ્બર થી તા.2 જાન્યુઆરી દરમ્યાન હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે અહીં આતશબાજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આતશબાજી કાર્યક્રમ દરમ્યાન વીઆઈપી ડોમ પર ફટાકડાનો તણખો પડતા આગ લાગી હતી. ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી સંપૂર્ણ આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડ દ્વારા જણાવાયું કે, ગઈકાલે રાત્રે 11ઃ30 વાગ્યા આસપાસ ફાયર બ્રિગેડના મુખ્ય ફાયર સ્ટેશનને કોલ મળ્યો હતો કે, રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં હનુમાન ચાલીસા યુવા કથા ચાલી રહી છે ત્યાં ડોમ ઉપર આગ લાગી છે.
ગૌરવભાઈ મહેતા નામના વ્યક્તિએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. કાલાવડ રોડ ફાયર સ્ટેશનની ગાડી, બેડીપરા ફાયર સ્ટેશનની ગાડી, કોઠારીયા ફાયર સ્ટેશનની ગાડી આતશબાજીના કારણે સ્ટેન્ડ બાય હતી. તેમના દ્વારા પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ, આતશબાજીનો સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ થયા ગયા બાદ વીઆઈપી ડોમ ઉપર ફટાકડાનો તણખો પડતા આગ લાગી હતી.
જેથી હાજર રહેલી વોટર ટેન્કર દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને વધુ એક ફાયર ટેન્કર દોડાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ હનુમાન ચાલીસા યુવા કથામાં દરરોજ હજારો લોકો કથા શ્રવણ કરવા માટે આવે છે. ગઈકાલે આ કથા દરમિયાનનો ખૂબ જ અગત્યનો કાર્યક્રમ હતો. જતી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
જોકે આગનો બનાવ કાર્યક્રમ પૂર્ણ થયાની થોડી ક્ષણો બાદ બન્યો હતો. ઉપરાંત આગમચેતીના ભાગરૂપે પ્રથમ જ ફાયર બ્રિગેડની ટીમો સ્ટેન્ડ બાય રખાયું હોવાથી કોઈ જાનહાની થઈ નહોતી અને મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર બ્રિગેડ સ્ટાફના દિવ્યરાજસિંહ ચુડાસમા, શેખરદાનભાઈ ગઢવી, દિનેશભાઇ ચૌધરી, રાજેશભાઈ મોરૈયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.