મૂળ ચોટીલાના રાજપરા ગામના વતની અને હાલ સોખડા ગામે રહેતા પ્રૌઢ પત્ની અને પુત્રી સાથે આધાર કાર્ડની કામગીરી માટે રાજકોટ આરએમસી કચેરીએ આવ્યા હતા. બાદમાં ત્રણેય પગપાળા પર જતા હતા દરમિયાન જૂની કોર્ટ બિલ્ડીંગ પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલી રીક્ષાએ પ્રૌઢને હડફેટે લેતા ગંભીર ઈજા થવા સબબ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. અકસ્માત બાદ નાસી ગયેલા રિક્ષાચાલક વિરુદ્ધ પ્રૌઢના પુત્રની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ ચોટીલાના રાજપરા ગામના વતની અને હાલ સોખડા ગામે સરકારી શાળાની બાજુમાં રહેતા સોમાભાઈ ભલાભાઇ જાદવ (ઉ.વ. 54) નામના પ્રૌઢ પત્ની હંસાબેન અને પુત્રી હેતલ સાથે બપોરના સવા એક વાગ્યા આસપાસ આરએમસી કચેરીએથી ઘરે જતા હતા. જૂની કોર્ટ ચોકથી આગળ ચર્ચ પાસે આશા રોડવેઝ સામેના રોડ પર ત્રણેય ચાલીને જતા હતા દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલી રીક્ષાએ પ્રૌઢને હડફેટે લીધા હતા. જેથી તેમને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બનાવના પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.
અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, પ્રૌઢ સોમાભાઈ પત્ની હંસાબેન સાથે દીકરી હેતલના આધારકાર્ડમાં સુધારો કરવાનો હોય જેથી આરએમસી કચેરી ગયા હતા. અહીં કામગીરી પૂરી કર્યા બાદ ત્રણેય ઘરે પરત જતા હતા. દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. બનાવ અંગે પ્રૌઢના પુત્ર કલ્પેશ સોમાભાઈ જાદવ (ઉ.વ.20) ની ફરિયાદ પરથી અકસ્માત સર્જી નાસી ગયેલા અજાણ્યા રીક્ષા અલગ સામે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application