BREAKING NEWS

સુરત છેડતી કેસમાં રિકન્સ્ટ્રક્શન વખતે હોબાળો; મહિલાઓએ આરોપી પર ચપ્પલ ફેંક્યા, ટોળાએ મુક્કા માર્યા

  • April 25, 2026 06:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરત શહેરના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં ૧૨ વર્ષની સગીરાની છેડતીની ઘટનાએ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચકચાર જગાવી છે. આ મામલે પકડાયેલા આરોપી મોહમ્મદ અઝીઝને આજે (૨૫ એપ્રિલ) જ્યારે પોલીસ તપાસના ભાગરૂપે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લાવી, ત્યારે સ્થાનિકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ઉગ્ર બનેલી મહિલાઓએ આરોપી પર ચપ્પલ અને પથ્થરમારો કરતા વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું.


ગઈકાલે ૨૪ એપ્રિલની રાત્રે, અલથાણ વિસ્તારમાં આવેલ એટલાન્ટા મોલ પાસેના ટ્યુશન ક્લાસથી ઘરે પરત ફરી રહેલી ૧૨ વર્ષની માસુમ દીકરીને ૪૦ વર્ષીય મોહમ્મદ અઝીઝ ઈમ્તીયાઝ નામના નરાધમે આંતરી તેની છેડતી કરી હતી. સગીરાએ ગભરાવાને બદલે હિંમત બતાવી ચીસાચીસ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આરોપીને રંગેહાથ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. પાટીદાર સમાજની દીકરી સાથે થયેલી આ હરકતના સમાચાર વાયુવેગે પ્રસરતા ગત રાત્રે પણ ૩ કલાક સુધી પોલીસ સ્ટેશન બહાર હજારોના ટોળાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.


રિકન્સ્ટ્રક્શન વખતે રણચંડી બનેલી મહિલાઓ

આજે પોલીસ જ્યારે આરોપી અઝીઝને રિકન્સ્ટ્રક્શન માટે એટલાન્ટા મોલ પાસે લાવી, ત્યારે સ્થિતિ પારખી ગયેલી પોલીસે આરોપીને અડધો કિલોમીટર દૂર ઉતારીને કન્સ્ટ્રક્શન સાઈટના ગુપ્ત રસ્તેથી લાવવાની ફરજ પડી હતી. તેમ છતાં, ત્યાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના અગ્રણીઓ અને મહિલાઓ ઉમટી પડી હતી. આરોપીને જોતા જ મહિલાઓએ આક્રોશમાં આવી સૂત્રોચ્ચાર કર્યા હતા અને ચપ્પલ તેમજ પથ્થરો ફેંકવાનું શરૂ કર્યું હતું. ભીડ એટલી ઉગ્ર હતી કે પોલીસે આરોપીને બચાવવા માટે માનવ સાંકળ બનાવી સુરક્ષા કવચ તૈયાર કરવું પડ્યું હતું.


પોલીસની કાર્યવાહી અને ચુસ્ત બંદોબસ્ત

લોકરોષ વધતા પોલીસે ગણતરીની મિનિટોમાં જ રિકન્સ્ટ્રક્શનની પ્રક્રિયા પૂર્ણ કરી આરોપીને પોલીસ વાનમાં બેસાડી ત્યાંથી રવાના કરી દીધો હતો. પાટીદાર સમાજના અગ્રણીઓએ માંગ કરી છે કે આ પ્રકારની વિકૃત માનસિકતા ધરાવતા આરોપીને સખતમાં સખત સજા થાય જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે. હાલમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અલથાણ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application