BREAKING NEWS

રાજકોટની ભાગોળે ફ્લિપકાર્ટના વેરહાઉસમાં ભીષણ આગ લાગી, મોટાપાયે નુકશાન

  • September 21, 2026 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરની ભાગોળે આવેલા આવેલા કાંગશીયાળી ગામની સીમમાં ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલ ફ્લિપકાર્ટ કંપનીના વેરહાઉસમાં રાત્રીના ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગના પગલે ફાયરની ટીમે તાકીદે બનાવસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

સદભાગ્યે આગની આ ઘટનામાં કોઇ જાનહાની થવા પામી ન હતી. સર્વર રૂમ પાસે આવેલી ઇલેકટ્રીક લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું સામે આવ્યું છે. આગની આ ઘટનામાં વેરહાઉસમાં રહેલો મોટાભાગનો સામાન સળગીને ખાખ થઇ જતા મોટાપાયે નુકશાન થયું હોવાનો અંદાજ વ્યકત કરવામાં આવ્યો છે.

આગની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ, કાંગશીયાળી ગામની સીમમાં આવેલા ફ્લિપકાર્ટના વેરહાઉસમાં રાત્રીના અચાનક આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં વેરહાઉસના સર્વર રૂમની બાજુમાંથી પસાર થતી ઇલેક્ટ્રિક લાઈનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. વેરહાઉસમાં મોટા પ્રમાણમાં પેકિંગ મટિરિયલ, પ્લાસ્ટિક, બોક્સ અને ગ્રાહકોના ઓર્ડરનો સામાન રાખેલો હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. આગ વિકરાળ બનતા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતાં.

આગની ઘટના અંગે તાત્કાલિક શાપર ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા જ શાપર ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ચારેય સતત મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી. કલાકોની ભારે જહેમત બાદ આખરે આગ પર પૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો.

બનાવની જાણ થતાં જ શાપર પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તુરંત જ વેરહાઉસની આસપાસ સુરક્ષા કોર્ડન કરી લીધો હતો. આ આગની ઘટનામાં મોટી જાનહાનિ થવા પામી ન હતી.

આ ભીષણ આગમાં વેરહાઉસની અંદર રહેલો સામાન બળીને સંપૂર્ણપણે ખાખ થયાની શક્યતાઓ સેવાઈ રહી છે. જેને લઇ મોટાપાયે નુકશાન થયું હોવાનું અંદાજ વ્યકત કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application