BREAKING NEWS

જેતપુરમાં મધરાત્રે લોકોના શ્વાસ અદ્ધર થયા... સાડીના કારખાનામાં લાગી વિકરાળ આગ, શેડ ધરાશાયી, અફરાતફરી મચી

  • November 16, 2025 09:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના જેતપુરમાં રબારિકા રોડ પર આવેલા સાડીના એક કારખાનામાં મોડીરાત્રે વિકરાળ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે, કારખાનાનો શેડ ધરાશાયી થયો હતો. જોકે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. આથી તંત્ર સહિત સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે.​​​​​​​


કાપડ અને કેમિકલ્સને કારણે આગ મિનિટોમાં જ ભીષણ બની 

મળતી માહિતી મુજબ, આ ઘટના મોડી રાત્રે બની હતી. કારખાનામાં કોઈ અગમ્ય કારણોસર અચાનક જ આગ લાગી હતી. સાડી પ્રિન્ટિંગનું કારખાનું હોવાથી તેમાં કાપડ અને કેમિકલ્સનો જથ્થો મોટો હતો, જેના કારણે આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતા અને ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. લોકોએ તાત્કાલિક આ અંગે ફાયર વિભાગને જાણ કરી હતી.


ફાયર બ્રિગેડની ટીમો તાબડતોબ ઘટના સ્થળે દોડી

આગની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડની ટીમો તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવીને લાંબા સમયની જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ એટલી ભયંકર હતી કે તેના કારણે કારખાનાનો શેડ પણ તૂટી પડ્યો હતો.


ફાયર વિભાગે વધુ તપાસ હાથ ધરી 

આગના કારણે કારખાનામાં રાખેલો લાખો રૂપિયાનો સાડી પ્રિન્ટિંગનો સામાન અને મશીનરી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. માલિકને મોટું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. સદનસીબે, આ ઘટના મોડી રાત્રે બની હોવાથી કારખાનામાં કોઈ કર્મચારી હાજર ન હતા. પરિણામે, આ ભીષણ આગમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે અને ફાયર વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application