BREAKING NEWS

ગુજરાતમાં હરિદ્વાર યાત્રાના નામે મહા કૌભાંડઃ 600થી વધુ વડીલો સાથે લાખોની ઠગાઈ, એક પાસેથી 4200 પડાવી ગઠિયાઓ ફરાર

  • November 13, 2026 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી આચરવાના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે, જેમાં તાજેતરમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિસાગર, દાહોદ અને સુરેન્દ્રનગર જિલ્લાના ૬૦૦ કરતાં વધુ વરિષ્ઠ નાગરિકો સાથે હરિદ્વાર યાત્રા અને શ્રીમદ ભાગવત કથાના નામે આચરવામાં આવેલી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. આયોજકો દ્વારા હરિદ્વારમાં યોજાનાર શ્રીમદ ભાગવત કથામાં લઈ જવાની લાલચ આપીને વ્યક્તિદીઠ ૪,૨૦૦ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. જો કે, યાત્રાના નિર્ધારિત દિવસે આયોજકો ભોગ બનનાર વરિષ્ઠ નાગરિકોને અધ્વર વચ્ચે છોડીને ફરાર થઈ ગયા હતા અને તેમની ઓફિસો પણ બંધ મળી આવી હતી, જેના કારણે યાત્રીઓમાં ભારે રોષ અને આઘાત જોવા મળી રહ્યો છે.


ત્રણેય જિલ્લામાં ૬૦૦થી વધુ વરિષ્ઠ નાગરિકો થયા શિકાર

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઠગાઈનું જાળું વ્યાપક સ્તરે ફેલાયેલું છે. અત્યાર સુધીના આંકડા મુજબ દાહોદમાં ૭૫ જેટલા, મહિસાગર જિલ્લામાં ૧૨૬ અને સુરેન્દ્રનગરમાં ૪૫૦થી વધુ વરિષ્ઠ નાગરિકો આ કૌભાંડનો ભોગ બન્યા છે. માત્ર આ ત્રણ જ નહીં, પરંતુ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી ઠગાઈ આચરવામાં આવી હોવાની પ્રબળ શક્યતા છે. આયોજકો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી પત્રિકા મુજબ, આ યાત્રા ૧૧ નવેમ્બર ૨૦૨૬ના રોજ શરૂ થઈને ૨૧ નવેમ્બરે પરત ફરવાની હતી અને ૧૩ તારીખથી કથા શરૂ થવાની હતી. વરિષ્ઠ નાગરિકોને આકર્ષવા માટે એક આકર્ષક સ્કીમ પણ મુકવામાં આવી હતી કે કથામાં બેસનાર પ્રત્યેક શ્રદ્ધાળુને દરરોજ ૬૦૦ રૂપિયા લેખે ભરેલી રકમ પરત આપવામાં આવશે.


જાહેરાતના બોર્ડ અને ઓફિસ શરૂ કરી વિશ્વાસ કેળવ્યો હતો

આ ઠગાઈને અંજામ આપવા માટે ઠગ ટોળકીએ સુયોજિત આયોજન કર્યું હતું. મહિસાગર જિલ્લાના વિવિધ વિસ્તારો તેમજ દાહોદ અને સુરેન્દ્રનગરમાં હરિદ્વાર યાત્રા અને ભાગવત કથાના ભવ્ય જાહેરાત બોર્ડ લગાવવામાં આવ્યા હતા. લુણાવાડા શહેરના વરધરી રોડ પર તો ખાસ આ યાત્રાના આયોજન માટે એક ઓફિસ પણ શરૂ કરવામાં આવી હતી. આ સત્તાવાર દેખાડા અને લોભામણી જાહેરાતોના આધારે અસંખ્ય વરિષ્ઠ નાગરિકોએ વિશ્વાસ રાખીને પોતાના નામ નોંધાવ્યા હતા. યાત્રીઓએ યાત્રા માટે નક્કી કરેલા રૂ. ૪,૨૦૦ ચૂકવી દીધા હતા અને યાત્રાની ઉત્સાહપૂર્વક તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી.


યાત્રાના દિવસે આયોજકો ગાયબ, દસ્તાવેજોના દુરુપયોગની પણ ચિંતા

ઠગાઈનો ભયાનક અંદાજ ત્યારે આવ્યો જ્યારે નિર્ધારિત દિવસે વરિષ્ઠ નાગરિકો હરિદ્વાર જવા માટે પોતપોતાના નક્કી કરેલા સ્થળે પહોંચ્યા, પરંતુ ત્યાં કોઈ આયોજક ઉપસ્થિત નહોતો. જ્યારે નાગરિકોએ લુણાવાડા સ્થિત ઓફિસે જઈને તપાસ કરી તો ત્યાં પણ તાળાં લટકી રહ્યા હતા અને કોઈ પત્તો લાગ્યો ન હતો. આ જાહેરાતનાં બોર્ડ પર ડાયાજી અને અનુપસિંહ નામના શખ્સોના નામ અને મોબાઈલ નંબર લખેલા હતા જે હવે બંધ આવી રહ્યા છે.

સૌથી મોટી ચિંતાની વાત એ છે કે યાત્રામાં નામ નોંધાવતી વખતે આયોજકોએ વરિષ્ઠ નાગરિકો પાસેથી ફોટોગ્રાફ અને આધારકાર્ડ સહિતના અત્યંત સંવેદનશીલ અંગત દસ્તાવેજો પણ મેળવ્યા હતા. પોતાના નાણાં તો ડૂબી ગયા છે પરંતુ સાથેસાથે આ અંગત દસ્તાવેજોનો કોઈ ગેરઉપયોગ કે આર્થિક ફ્રોડ ન થાય તે વાતને લઈને વરિષ્ઠ નાગરિકો ભારે ચિંતામાં મુકાયા છે. આ મામલે પીડિત નાગરિકો દ્વારા સંબંધિત પોલીસ મથકોમાં સઘન રજૂઆતો કરીને ન્યાયની ગુહાર લગાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application