ધોરાજી: રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત આજે તા. 17 સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત એક જ દિવસમાં રાજ્યના 203 બ્લડ કલેક્શન સેન્ટરો ખાતે 50 હજારથી વધુ રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવાનો મહાસંકલ્પ લેવામાં આવ્યો છે.આ અભિયાન અંતર્ગત ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પનો સમય સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. કેમ્પને લઈને સરકારી હોસ્પિટલના તબીબો તથા આરોગ્ય તંત્ર દ્વારા નાગરિકોને મોટી સંખ્યામાં રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે. હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું કે, “રક્તદાન એ મહાદાન છે. આપેલું એક યુનિટ રક્ત જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી બની શકે છે અને અનેક લોકોના જીવન બચાવવામાં મદદરૂપ થઈ શકે છે.” રક્તદાન માટે લાયક નાગરિકોને કેમ્પમાં જોડાઈ માનવસેવામાં યોગદાન આપવા અપીલ કરવામાં આવી છે.