રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં આજે અચાનક પલટો આવતા ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ વહેલી સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું અને ત્યારબાદ રાજકોટ શહેર તથા જસદણ પંથકમાં વરસાદી ઝાપટાં પડતા લોકો આશ્ચર્યમાં મૂકાયા હતા.
રાજકોટ શહેરમાં પવન સાથે વરસાદની એન્ટ્રી
રાજકોટ શહેરમાં આજે સવારથી જ સૂર્યદેવ વાદળો પાછળ છુપાયેલા રહ્યા હતા. બપોરના સમયે શહેરના મુખ્ય વિસ્તારો એવા યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ અને 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં પવનના સુસવાટા સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. અચાનક આવેલા આ વરસાદને કારણે રસ્તાઓ ભીના થઈ ગયા હતા અને વાતાવરણમાં પ્રસરેલી ઠંડકને લીધે શહેરવાસીઓને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી હતી.
જસદણ પંથકમાં પણ મેઘાની દસ્તક
માત્ર રાજકોટ શહેર જ નહીં, પણ જસદણ પંથકમાં પણ વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. જસદણ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે આટકોટ, જંગવડ, પાંચવડા, જીવાપર અને સાણથલીમાં વહેલી સવારથી જ ઘટાટોપ વાદળો છવાયા હતા. આ વિસ્તારોમાં પણ વરસાદના છાંટા પડતા રસ્તાઓ પલળ્યા હતા. ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું.
ખેડૂતોમાં ફાળ: પાકને નુકસાનની ભીતિ
ભલે સામાન્ય જનતાને ગરમીથી રાહત મળી હોય, પરંતુ આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં ધરખમ વધારો કર્યો છે. હાલમાં ખેતરોમાં રવિ પાક લણણીના તબક્કે છે અથવા ખેતરમાં કાપીને રાખવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જો વરસાદનું જોર વધે અથવા કરા પડે, તો ઘઉં, રાયડો અને જીરા જેવા પાકને મોટું નુકસાન થઈ શકે છે. વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોમાં ફાળ પડી છે કે તેમની મહેનત પર પાણી ફરી વળશે.