BREAKING NEWS

2027ની ચૂંટણી પહેલાં ખોડલધામ 'નરેશ'નો માસ્ટર સ્ટ્રોક!, ખોડલધામ સંગઠનના અધ્યક્ષની નવી જ પોસ્ટ ઉભી કરાઈ

  • January 21, 2026 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી વર્ષ 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમા ખોડલધામના ચેરમેન નરેશ પટેલે માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે. જ્યારે વિધાનસભા કે લોકસભાની ચૂંટણી નજીક આવે ત્યારે નરેશ પટેલના સૂર રાજકીય બની જાય છે. આ દરમિયાન લેઉવા પટેલ સમાજના લોકોમાં ખોડલધામ પ્રત્યેની તેમની જવાબદારી પર સવાલો ઉઠે છે. જોકે હવે ખોડલધામ સંગઠનના અધ્યક્ષની નવી પોસ્ટ ઉભી કરી અને તેની તમામ જવાબદારી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલને સોંપી દીધી છે. જેને લઈને અનેક તર્ક વિતર્કો પણ થઈ રહ્યા છે. આમ કરવાથી નરેશ પટેલ રાજકીય ક્ષેત્રે પગદંડો અજમાવશે તેવી પણ એક ચર્ચા ઉઠી છે.


મળતી માહિતી મુજબ, ખોડલધામ ખાતે યોજાયેલી કન્વીનર મીટ 2026 દરમિયાન ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે અનાર પટેલને ખોડલધામ સંગઠનનાં અધ્યક્ષ તરીકે જાહેર કર્યાં હતા. આ જાહેરાત બાદ પાટીદાર સમાજ અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે, કારણ કે હવે ખોડલધામના સંગઠનને લગતાં તમામ પાયાનાં કામકાજની ધુરા અનાર પટેલના શિરે રહેશે.​​​​​​​

અનાર પટેલ હવે સીધી રીતે ખોડલધામના સંગઠન માળખાનું નેતૃત્વ કરશે

નરેશ પટેલે અનાર પટેલના નામની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, સંગઠનને વધુ મજબૂત કરવા અને યુવા તેમજ મહિલા શક્તિને જોડવા માટે આ નિર્ણય લેવાયો છે. અત્યારસુધી પડદા પાછળ રહીને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અનાર પટેલ હવે સીધી રીતે ખોડલધામના સંગઠન માળખાનું નેતૃત્વ કરશે. કન્વીનર મીટમાં હાજર રહેલા સમાજના અગ્રણીઓ અને સ્વયંસેવકોએ આ નિર્ણયને વધાવ્યો હતો. આગામી સમયમાં ખોડલધામ દ્વારા યોજાનારા વિવિધ સામાજિક અને સંગઠનલક્ષી કાર્યક્રમોમાં અનાર પટેલની ભૂમિકા નિર્ણાયક સાબિત થશે.


પ્રોટોકોલ તોડીને નિર્ણય કરવો પડી રહ્યો છે

નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પ્રોટોકોલ તોડીને નિર્ણય કરવો પડી રહ્યો છે અને મને વિશ્વાસ છે કે આ જાહેરાત જેના નામની થશે તે ગુજરાતમાં ગૌરવ જરૂર અપાવશે. ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવે છે. ખોડલધામના કુલ 11 ઝોન છે ગુજરાતમાં જે પૈકી અમદાવાદ ઝોનમાં 3 અધ્યક્ષની સમિતિ બનાવવામાં આવી છે તેમાં પરષોત્તમભાઈ ઢેબરિયા, કનુભાઈ કોઠીયા અને વિઠ્ઠલભાઈ સાવલિયાની નિમણૂક કરવામાં આવી છે જે અમદાવાદનો કાર્યભાળ સંભાળશે. આ જ રીતે અમરેલી કે જે લેઉવા પાટીદાર સમાજનું પાટનગર છે, અમરેલી જિલ્લાના ઝોન અધ્યક્ષ તરીકે બાવકુભાઇ ઊંઘાળની નિમણૂક કરવામાં આવી છે.


જેનીબેન ઠુંમરને ટ્રસ્ટી તરીકે સામેલ કરવા ભલામણ

નરેશ પટેલે આગળ જણાવ્યું હતું કે, જેનીબેન ઠુંમરને ટ્રસ્ટી તરીકે સામેલ કરવા હું બધાને ભલામણ કરી રહ્યો છું. સંગઠનને આગળ વધારવાની યુવાનોની જવાબદારી છે સંગઠન માટે યુવાનો આગળ આવે તેવી હું અપીલ કરું છું. જુદી જુદી સમિતિ બનાવી આગળ વધતા રહો તેવી હું સમાજને સંગઠનને અપીલ કરું છું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જગ્યા લેવામાં આવી છે, જ્યાં સોમનાથ જેવું જ ખોડલધામ ટ્રસ્ટનું ભવન બનાવવામાં આવશે. ખોડલધામ ખાતે પણ રહેવાની વ્યવસ્થા કરવા માટે ભવન બનાવવામાં આવશે. એક સપ્તાહ પહેલા નિર્ણય લેવાયો છે કે હરિદ્વારમાં પણ ખોડલધામ ભવન બનાવવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application