BREAKING NEWS

ગુજરાતમાં વધુ એક નિર્માણધીન બ્રિજ ધરાશાયી, અફરાતફરી મચી, અધિકારીઓ અને રોડ કોન્ટ્રાક્ટરમાં દોડધામ

  • December 23, 2025 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર પારડી નજીક કોરાટ ચોકથી ટીલાળા ચોક તરફ જતા માર્ગ પર ચાલી રહેલા આઉટ ઓફ રીંગ રોડના કામ દરમિયાન અચાનક બ્રિજનો એક ભાગ ધરાશાયી થતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના બ્રિજના નિર્માણ કાર્ય દરમિયાન બની હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે ઘટનાના સમયે ત્યાં કોઈ કામદાર કે વાહન હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી, પરંતુ ઘટનાએ કામની ગુણવત્તા અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.


પ્રાપ્ત માહિતી અનુસાર, આઉટ ઓફ રીંગ રોડનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. આજે અચાનક બ્રિજના નિર્માણાધીન ભાગમાં ધસી પડવાની ઘટના બની હતી. ધરાશાયી થયેલા ભાગને કારણે આસપાસના વિસ્તારમાં ધૂળ અને માટીના ગોટેગોટા ઉડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ રોડ કોન્ટ્રાક્ટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.


અધિકારીઓ દ્વારા ધરાશાયી થયેલા ભાગને ઘેરી લેવામાં આવ્યો હતો અને સુરક્ષાની દ્રષ્ટિએ આસપાસના માર્ગ પર વાહન વ્યવહાર થોડા સમય માટે અટકાવવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જમીનની મજબૂતી, પાયાની કામગીરી અને બાંધકામમાં વપરાયેલ સામગ્રી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. બ્રિજનો ભાગ કેમ ધરાશાયી થયો તે અંગે ટેક્નિકલ તપાસ કરીને જવાબદાર પર કાર્યવાહી કરવાની વાત અધિકારીઓએ કરી છે.


સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ચિંતા ફેલાઈ છે. લોકોનું કહેવું છે કે જો કામ દરમિયાન આ પ્રકારની બેદરકારી રહેશે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. સ્થાનિકોએ માંગ કરી છે કે સમગ્ર કામની ગુણવત્તાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને તમામ સુરક્ષા માપદંડોનું પાલન કરીને જ કામ આગળ વધારવામાં આવે. સાથે જ વહેલી તકે માર્ગને સુરક્ષિત રીતે પૂર્ણ કરીને જનતાને રાહત આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News