BREAKING NEWS

રાજકોટ સિવિલના પ્રિઝન વોર્ડમાં કાચા કામના કેદીનો ગળાફાંસો ખાઈ આપઘાત, 11 માસ પૂર્વે દીકરીના પ્રેમીની છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી

  • December 08, 2025 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરની સરકારી હોસ્પિટલમાં આવેલ પ્રિઝન (કેદીવોર્ડ )માં આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે જેમાં રેલનગરમાં 11 માસ પૂર્વે પુત્રીના પ્રેમીની છરીના ઘા ઝીંકી હત્યા કરનાર 65 વર્ષીય વૃધ્ધ કેદીને પેટમાં દુઃખાવાની તકલીફ હોવાથી સિવિલ હોસ્પિટલના પ્રિઝન વોર્ડમાં દાખલ કરેલ હોય પોલીસે જાપ્તા વચ્ચે સવારે વૃદ્ધ કેદીએ મેડિકલ પાટા વડે પંખામાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સિવિલ હોસ્પિટલમાં ચકચાર જાગી છે મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, ગત 22 જાન્યુઆરી 2025 માં રેલનગર દર્શનવિલા સોસાયટીમાં રહેતા નિવૃત્ત પીજીવીસીએલના કર્મચારી એવા રાજેન્દ્રભાઈ પોપટભાઈ રાઠોડ ઉંમર 65 વાળા પોતાના ઘરે હાજર હોય ત્યારે તેની પરણીત દીકરીને મળવા ઉપલેટાનો વતની પ્રેમી આસિફ સોરા નામનો યુવક આવ્યો હતો.


જેથી રાજેન્દ્રભાઈ પુત્રી અને તેના પ્રેમીને સાથે જોઈ જતા એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને પોતાની પાસે રહેલી છરી થી આસિફ પર હુમલો કરતા ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં આસિફને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેનું મોત નિપજ્તા બનાવ હત્યામાં પલટાયો હતો પ્રદ્યુમનનગર પોલીસે આરોપી રાજેન્દ્રભાઈની ધરપકડ કરી હતી.


હત્યાના ગુનામાં કાચા કામના કેદી જેલ હવાલે રહેલા રાજેન્દ્ર પોપટને પેટમાં દુઃખાવાની તકલીફ રહેતી હોય જેથી પોપટપરા જેલમાંથી સારવાર અર્થે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે દિવસ પૂર્વે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં વહેલી સવારે 7 વાગ્યા આસપાસ કેદીએ પ્રિઝન વોર્ડમાં બેડમાં બાંધેલા મેડિકલના પાટા વડે પંખામાં ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.


પ્રિઝન વોર્ડમાં ફરજ પર રહેલા કેદી જાપ્તા ગાર્ડની એકાએક નજર પડતા પ્રિઝન વોર્ડમાં કાચા કામના કેદી રાજેન્દ્રભાઈ લટકતી હાલતમાં જોવા મળતા તુરંત જ ઇમરજન્સી વોર્ડમાં ખસેડતાં તબીબે મૃત જાહેર કર્યા હતા આ અંગે મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને પોલીસ અધિકારીઓ હોસ્પિટલ દોડી ગયા હતા.


પ્રાથમિક તપાસમાં પરિવારજનોના જણાવ્યા મુજબ, મૃતક છેલ્લા 11 માસથી જેલમાં હતા તેઓને સંતાનમાં એક દીકરી અને બે દીકરા છે.જેમ બંને દીકરા સાથે હાલ તેમને કોઈ સંબંધ રહ્યો નથી. તેઓ પીજીવીસીએલમાં લાઇન ઇન્સ્પેક્ટર તરીકે નિવૃત થયા હતા. ક્યાં કારણસર આ પગલું ભર્યું તે અંગે કોઈ જાણકારી ન હોવાનું જણાવ્યું હતું. પ્રદ્યુમનનગર પોલીસ મથકના સ્ટાફે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application