BREAKING NEWS

કિર્તીદાન ગઢવીના ગરબાના AC ડોમનો એક ભાગ બેસી ગયો, શ્રમિકોને સામાન્ય ઈજા, પોલીસ દોડી ગઈ

  • October 09, 2026 06:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદ શહેરમાં આગામી નવરાત્રિ મહોત્સવને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે તે પહેલા જ એસ.પી. રિંગ રોડ પર આવેલા ગોપાલ ફાર્મ ખાતે જાણીતા ગાયક કિર્તીદાન ગઢવીના ‘પરંપરા’ નવરાત્રિ મહોત્સવના આયોજન માટે બનાવવામાં આવી રહેલો વિશાળ એસી ડોમનો એક ભાગ બેસી ગયો છે. જેમાં કેટલાક શ્રમિકોને સામાન્ય ઈજા પહોંચી છે. ઘચનાને પગલે આયોજકો અને પોલીસમાં દોડધામ મચી ગઈ છે.


પ્રાપ્ત વિગતો અનુસાર, આ એસી ડોમનું નિર્માણ લગભગ પૂર્ણ થવાના આરે હતું અને તેમાં લાઇટિંગ સહિતની તમામ આધુનિક સુવિધાઓ અને સજાવટની વસ્તુઓ પણ ફિટ કરી દેવામાં આવી હતી. આખો ડોમ સુંદર રીતે તૈયાર થઈ રહ્યો હતો ત્યારે જ કેટલાક શ્રમિકો ત્યાં કામ કરી રહ્યા હતા અને અચાનક આખું માળખું ધરાશાયી થઈ ગયું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં કામ કરી રહેલા કેટલાક શ્રમિકોને સામાન્ય ઈજાઓ જ પહોંચી છે અને મોટી જાનહાનિ ટળી ગઈ છે. 


યોગ્ય રીતે પિલ્લર ન નંખાતા સર્જાઈ ખામી

પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ એસી ડોમના લોખંડના પિલ્લર અને પોઈન્ટ્સને જમીનમાં યોગ્ય રીતે અને પૂરતી મજબૂતાઈથી ફિટ કરવામાં આવ્યા ન હતા, જેના કારણે વજન વધી જવાથી અથવા અન્ય તકનીકી કારણોસર આટલો મોટો ડોમનો એક ભાગ નીચે બેસી ગયો હતો. હજી સુધી આ ડોમનું કામ સંપૂર્ણ રીતે પૂરું થયું ન હતું અને પોલીસ તેમજ ફાયર બ્રિગેડ વિભાગની આવશ્યક એનઓસી લેવાની પણ બાકી હતી. 


ગરબાનું શેડ્યુલ ખોરવાવાની શક્યતા

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈ એલ.એલ. ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આખો ડોમ બે ભાગમાં વહેંચાયેલો હતો, જેમાંથી પાછળના ભાગનો એસી ડોમ અચાનક બેસી ગયો છે. બનાવની જાણ થતાં જ પોલીસ અને આયોજકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આગામી માત્ર બે દિવસમાં જ આટલો મોટો એસી ડોમ ફરીથી મૂળ સ્થિતિમાં ઊભો થઈ જાય તેવી શક્યતા નહિવત્ છે. આથી, ૧૧ ઓક્ટોબરથી શરૂ થનારા ‘પરંપરા’ ગરબા મહોત્સવનું આખું શેડ્યુલ અને આયોજન ખોરવાઈ જવાની શક્યતાઓ સેવાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application