આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણી જીવનશૈલીનો અવિભાજ્ય અંગ બની ગયો છે, પરંતુ તેની એક નાની 'ટિંગ' આપણા માનસિક સ્વાસ્થ્ય અને એકાગ્રતા માટે ગંભીર પડકાર ઉભો કરી રહી છે. તાજેતરમાં સ્વિટ્ઝર્લૅન્ડની લુઝેન યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ સંશોધન મુજબ, સ્માર્ટફોન પર આવતી દરેક નોટિફિકેશન મનુષ્યના મગજને વિચલિત કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. અભ્યાસમાં આપણું ધ્યાન લગભગ સાત સેકન્ડ માટે વિચલિત થઈ જાય છે તેવું જાણવા મળ્યું છે.
સંશોધકોએ 180 વિદ્યાર્થીઓ પર લાંબા સમય સુધી પ્રયોગો કર્યા હતા. જેમાં જાણવા મળ્યું કે જેવી ફોન પર કોઈ નોટિફિકેશન આવે છે, તરત જ વ્યક્તિનું ધ્યાન તેના મૂળ કામ પરથી લગભગ સાત સેકન્ડ માટે ભટકી જાય છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે નોટિફિકેશન આવતાની સાથે જ મગજની માહિતી સમજવાની અને તેના પર પ્રક્રિયા કરવાની ક્ષમતા અચાનક ધીમી પડી જાય છે. ભલે તે નોટિફિકેશન કોઈ મહત્વના કામની હોય કે તદ્દન બિનજરૂરી, આપણું મગજ તેને સંપૂર્ણપણે અવગણી શકતું નથી અને તેનાથી પ્રભાવિત થયા વગર રહી શકતું નથી.
સ્માર્ટફોનના વપરાશ બાબતે ભારતીયોની સ્થિતિ પણ ગંભીર છે. એક અહેવાલ મુજબ, ભારતીયો દરરોજ સરેરાશ પાંચ કલાક પોતાના સ્માર્ટફોન પાછળ વિતાવે છે. આ સમયના લગભગ 70 ટકા હિસ્સો લોકો સોશિયલ મીડિયા, ઓનલાઇન ગેમ્સ અને વીડિયો જોવામાં પસાર કરે છે. આ આંકડા દર્શાવે છે કે મનોરંજનના નામે આપણે આપણી ઉત્પાદકતા ગુમાવી રહ્યા છીએ. આ ઉપરાંત, ભારતમાં 84 ટકા લોકો એવા છે જેઓ સવારે ઉઠ્યાની પ્રથમ 15 મિનિટમાં જ પોતાનો ફોન તપાસે છે, જે માનસિક તણાવ વધારવાનું મુખ્ય કારણ બની શકે છે.
નિષ્ણાતોના મતે, સમસ્યા માત્ર તમે ફોન પર કેટલો સમય વિતાવો છો તેની નથી, પરંતુ તમે કેટલી વાર ફોન તપાસો છો તે વધુ ખતરનાક છે. વારંવાર ફોન અનલોક કરીને નોટિફિકેશન ચેક કરવાની આદત મગજને સતત 'હાઈ એલર્ટ' મોડ પર રાખે છે, જેનાથી લાંબા ગાળે એકાગ્રતામાં ઘટાડો, યાદશક્તિ નબળી પડવી અને માનસિક થાક જેવી સમસ્યાઓ સર્જાય છે.
ડિજિટલ ડિટોક્સ હવે સમયની માંગ છે. નિષ્ણાતો સલાહ આપે છે કે કામ કરતી વખતે બિનજરૂરી નોટિફિકેશન બંધ રાખવી જોઈએ અને દિવસના અમુક કલાકો ફોન વગર વિતાવવા જોઈએ. જો આપણે આપણી એકાગ્રતા પાછી મેળવવી હોય, તો આ નાની 'ટિંગ' પર કાબૂ મેળવવો અનિવાર્ય છે.