રાજકોટમાં સિટી બસના ચાર્જિંગ માટે હવે અદ્યતન ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી આ પ્રોજેક્ટને સાકાર કરવામાં આવશે. આ સાથે જ જાહેર પરિવહનને વેગ મળશે. આ ચાર્જિંગ સ્ટેશન પાછળ 25 કરોડનો ખર્ચ થશે.
આ પ્રોજેક્ટના આર્થિક પાસાંની વાત કરીએ તો, આમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો મોટો ફાળો રહેલો છે. કુલ ખર્ચના 60% રકમ કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ પેટે આપવામાં આવશે, જ્યારે 20% રકમ રાજ્ય સરકાર અને બાકીની 20% રકમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભોગવવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવશે અને ત્યાંથી 18 મહિનાના નિર્ધારિત સમયગાળામાં આ ચાર્જિંગ સ્ટેશન ઊભું કરી દેવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.
બસોનું સંચાલન વધુ ઝડપી બનશે
મળતી માહિતી મુજબ, રાજકોટ મનપાએ ચાર્જિંગ સ્ટેશન માટે પ્રજાપતિ ચોક પાસે 20092 સ્કવેર મીટરનો વિશાળ પ્લોટ ફાળવવામાં આવ્યો છે. આ સ્ટેશનની વિશેષતા એ હશે કે તેમાં એકસાથે 100 સિટિબસ ચાર્જ થઈ શકે તેવી ક્ષમતા વિકસાવવામાં આવશે. હાલમાં રાજકોટમાં અમૂલ સર્કલ પાસે એક ચાર્જિંગ સ્ટેશન અને અટલ સરોવર નજીક એક ચાર્જિંગ સ્ટેશન કાર્યરત છે. આ બંનેની મળીને કુલ ક્ષમતા 150 બસ ચાર્જ કરવાની છે. હાલ શહેરમાં 150 ઇલેક્ટ્રિક અને 100 સીએનજી બસો સેવામાં રાખવામાં આવી છે. પરંતુ ભવિષ્યમાં ઇલેક્ટ્રિક સિટીબસની સંખ્યા વધવાની છે. જેને ધ્યાનમાં રાખીને અત્યારથી જ નવા ચાર્જિંગ સ્ટેશનના નિર્માણની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ સ્ટેશન બન્યા બાદ 150 બસોને ચાર્જ કરવા માટે 250ની કેપેસિટીનાં 3 ચાર્જિંગ સ્ટેશન થતા લાંબો સમય રાહ જોવી પડશે નહીં અને બસોનું સંચાલન વધુ ઝડપી બનશે.
મુસાફરોને બસની રાહ જોવામાંથી મુક્તિ મળશે
નવા ચાર્જિંગ સ્ટેશનના નિર્માણથી માત્ર મનપાને જ નહીં, પરંતુ રાજકોટના હજારો નાગરિકોને પણ સીધો ફાયદો થશે. હાલમાં ચાર્જિંગની મર્યાદિત સુવિધાને કારણે ઘણીવાર રૂટ પર બસોની સંખ્યા મર્યાદિત રાખવી પડે છે અથવા ચાર્જિંગ માટે બસોને લાંબો સમય ડેપોમાં ઉભી રાખવી પડે છે. હવે ઝડપી ચાર્જિંગની સુવિધા ઉપલબ્ધ થતાં સિટીબસના રૂટની સંખ્યામાં વધારો કરી શકાશે, જેનાથી મુસાફરોને બસની રાહ જોવામાંથી મુક્તિ મળશે.