આતંકી હુમલામાં મૃત્યુ પામનારા સદગતોની આત્માની શાંતિ માટે ધ્રોલમાં સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ
આતંકી હુમલામાં મૃત્યુ પામનારા સદગતોની આત્માની શાંતિ માટે ધ્રોલમાં સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ
May 01, 2025 05:05 PM
જમ્મુ કાશ્મીરના ૫હલગામમાં થયેલ આતંકી હુમલામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યાં હતાં. જેનાથી સમગ્ર દેશમાં શોકની લાગણી વ્યાપી છે. આ દુ:ખદ ઘટનામાં જીવ ગુમાવનારા સદગત આત્માઓને શાંતિ મળે એ શુભઉદ્દેશ્યથી ધ્રોલના વિદ્વાન શાસ્ત્રી ચંપકભાઈ દવે દ્વારા અક્ષય તૃતિયાનાં પવિત્ર દિવસે ધ્રોલ ખાતે સત્યનારાયણ ભગવાનની પાઠાત્મક કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગઈકાલે સાંજના ૬ વાગ્યે ધ્રોલના બ્રહ્મનાથ મહાદેવ મંદિર ખાતે કથા યોજાઈ હતી. જેમાં શાસ્ત્રીના વાણીપ્રસાદ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા શ્રવણ કરવાનો અવસર ભક્તજનોને મળ્યો હતો.
આ સત્યનારાયણની કથામાં ધ્રોલની જનતા, આજુબાજુની વાડીમાંથી નાના ભૂલકા, બાળકો, વૃધ્ધો, મહિલાઓ તથા વડીલો યુવાનનો એ આ ધાર્મિક પ્રસંગમાં હાજરી આપી હતી. તેમજ કથા શ્રવણ કરીને આતંકી હુમલામાં પ્રાણ ગુમાવનારા ભાઈ-બહેનોના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. કથા સમાપ્ત થયા બાદ બધાને પ્રસાદ રૂપે શિરો ફ્રુટ તથા મમરી,મગફળીના બીનો પ્રસાદ રૂપે આપવામાં આવેલ હતું.