મહિલા સશક્તિકરણને વેગ આપતા એક મહત્વપૂર્ણ ચૂકાદામાં ગુજરાત હાઈકોર્ટે નિશ્ચિત કર્યુ હતું કે જો કોઈ મહિલા આંતર જ્ઞાતિ લગ્ન કરે તો પણ તે તેના પિતાની મિલ્કતમાં તેનો કાનૂની હિસ્સો ગુમાવતી નથી પછી આ મિલ્કત તેના પિતાને વારસદાર તરીકે મળી હોય કે પિતાની સ્વપાર્જીત મિલ્કત હોય તેમાં પુત્ર જેટલો જ પુત્રીનો હીસ્સો એ તેનો હકક છે. જેનાથી તેને ફકત એ કારણોસર વંચીત રાખી શકાય નહી કે તેણે અન્ય જ્ઞાતિના યુવક સાથે લગ્ન કર્યા છે.
એક પાટીદાર મહિલાએ તેની પસંદગીના ઓબીસી સમુદાયમાં આવતા યુવક સાથે લગ્ન કર્યા હતા. તેનાથી તેના પિતાએ પોતાની મિલ્કતમાંથી પુત્રીને કોઈ હીસ્સો મળે નહી તે નિશ્ચિત કર્યુ હતું તથા દિકરી સાથેના કૌટુંબિક સંબંધો પણ કાપી નાખ્યા હતા. 1986માં તેના પિતાનું મૃત્યુ થયા બાદ સાત સંતાનોએ વારસદાર દરજજે પ્રોપર્ટીકાર્ડમાં નોંધણી કરાવી હતી. પરંતુ તેમાં અન્ય જ્ઞાતિમાં લગ્ન કરનાર બહેનને બાકાત રાખી હતી.
2018માં બહેનને આ માલુમ પડતા તેણે પિતાની મિલ્કતના આઠમો ભાગ માટે સિવિલ દાવો દાખલ કર્યો હતો. 12 વર્ષ બાદ આ પ્રકારે દાવો દાખલ થયો હોય તેવા કારણોસર પ્રથમ તેની અરજી નકારાઈ હતી જેની સામે મહિલાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જેમાં તેના ભાઈ-બહેનો વતી 12 વર્ષનો સમયગાળો વહી ગયો છે તે મુદા પર અરજી નકારવા રજુઆત કરવામાં આવી હતી.
જો કે હાઈકોર્ટે મહિલાની અપીલ સ્વીકારી હતી અને જણાવ્યું કે હિન્દુ વારસાધારાની કલમ 6 મુજબ જેમાં 2005માં સુધારો થયો તે ઉપરાંત છેક 1956માં દિકરીનો મિલ્કતમાં હકક સ્વીકારાયો છે તેની પુત્રીને આ પ્રકારે મિલ્કતમાંથી દુર કરી શકાય નહી.
2005માં હિન્દુ વારસાધારામાં થયેલા સુધારામાં દિકરીને માતા-પિતાની મિલ્કતમાં દિકરા જેવો જ અધિકાર અપાયો છે અને જન્મથી જ આ અધિકાર મળે છે. 1956ના ધારામાં જે ભેદભાવવાળી કલમ હતી તે પણ દુર થઈ છે. હાઈકોર્ટે આ અરજી સિવિલ કોર્ટને પરત મોકલી મહિલાની અરજી પર વિચારવા જણાવ્યું હતું.
એક અન્ય કેસમાં અમદાવાદની મહિલાએ પણ અન્ય જ્ઞાતિના પુરુષ સાથે લગ્ન કર્યા હતા તેને તેના પિતાની મિલ્કતમાં ભાગથી વંચિત રખાઈ હતી. 2013માં તેણે માતા-ભાઈઓ સામે પિતાની મિલ્કતમાં તેના ભાગ અંગે અરજી કરી હતી. જેમાં તેના માતા તરફથી દલીલ થઈ કે પુત્રીને એક ફલેટ રહેવા માટે આપ્યો હતો તે તેણે હડપ કરી લીધા છે.
ભાઈઓએ માતાના મૃત્યુ બાદ આ ફલેટ જે તેના માતાના નામે હતો તે પરત મેળવવા પણ દાવો દાખલ કર્યો હતો પણ મહિલાએ તેની સામે માતા-પિતાની મિલ્કતમાં તેનો ભાગનો દાવા કરી ભાઈઓ આ ફલેટ વેચી કે કોઈ રીતે ટ્રાન્સફર કરી શકે નહી તેવો સ્ટે માંગ્યો હતો.
ઉપરાંત ભાઈઓ તેને મિલ્કતના અધિકારથી બેદખલ કરવા માંગે છે તેવું પણ જણાવ્યું હતું જે સામે મિલ્કતમાં અધિકાર માંગ્યો હતો. કોર્ટે બહેન જે ફલેટમાં રહેતી હતી તેના પર ભાઈઓનો દાવો નકારી કાઢયો અને જેમાં ઉપલી અદાલતે પણ તેમાં ભાઈઓને રાહત આપી ન હતી.