જામજોધપુર પંથકના તરસાઈ ગામના મહિલા રાજકોટ સિવિલમાં એમઆરઆઈ કરતી વખતે તેમનું હૃદય બેસી જતા મોત નીપજ્યું હતું. રમાબેન પુત્રના ઘરે રાજકોટ આવ્યા હતા ત્યારે તબિયત બગડતા હોસ્પિટલ લઈ જવાયા હતા દરમિયાન આ બનાવ બન્યો હતો. બનાવને પગલે પરિવારમાં ગમગીની છવાય ગઇ હતી.
જાણવા મળતી વિગતો મુજબ, રમાબેન ભગવાનજીભાઈ પરમાર(ઉ.વ. 53, રહે. તરસાઈ ગામ, તા. જામજોધપુર) ગઈકાલે તેઓ રાજકોટના ગાંધીગ્રામમાં આવેલ સહનગરમાં શેરી નંબર ચાર ખાતે પોતાના પુત્રોના ઘરે હતા ત્યારે પીઠમાં દુ:ખાવો થતાં જી ટી શેઠ હોસ્પિટલમાં નિદાન માટે ગયા હતા. જેના ડોક્ટરે એમઆરઆઇ કરાવવાની સલાહ આપતા રમાબેનને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે એમ.આર.આઈ. કરવા લઈ જવાયા હતા.
અહીં સિવિલ હોસ્પિટલમાં એમ આર આઈ કરતી વખતે જ રમાબેનને હાર્ટ એટેક આવી ગયો હતો અને તે બેભાન થઈ ગયા હતા. જેથી તેમના પરિવારજનો રમાબેનને તત્કાલ એચસીજી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. રમાબેનને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. બનાવના પગલે ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.