જામનગર શહેરમાં આગામી તા. ૧૨ના રોજ વિશાલ વિશ્ર્વના ઇતિહાસમાં જામનગરમાં ટાઉનહોલ ખાતે રવિવારે સવારે ૮-૩૦ વાગ્યે પ.પૂ. તારકચંદ્રસગારજી મહારાજની નીશ્રામાં ૧૯ વર્ષીય યુવામુની શ્રમણચંદ્ર સાગર મહારાજનું વિશિષ્ટ પ્રવચન યોજવામાં આવ્યું છે, ખાસ વાત તો એ છે કે આ પ્રવચન દરમ્યાન બે હોઠ ભેગા થાય તેવા એક પણ અક્ષર પ,ફ,બ,ભ,મનો ઉપયોગ જરા પણ નહીં થાય, આર્યાવ્રર્તની ગરીમા અર્થાત ભારતની ભવ્યતા વિષય પર ૬૦ મિનીટ સુધી આ પ્રવચન આપશે તેમ આજે બોલાવાયેલી પત્રકાર પરિષદમાં જણાવાયું છે.
આપણા ભારતની ભૂમિ, મુકિત શકિત અને દિવ્ય ભૂમિની રહી છે, આપણે ક્રિડા જગતના રમત-ગમતના પર્વત આરોહણના, ચિત્રકળાના સ્પર્ધાઓના ઇતિહાસ સાંભળ્યા છે હશે પણ જામનગરમાં અનેરો વાણીશકિતનો એક નવો ઇતિહાસ બનવા જઇ રહયો છે, આપણે ભાવોને પ્રગટ કરવા, ભાષાનું, વાણીનું આલંબન લેવું પડે છે, ભાષા, વાણી, વ્યવહારથી જ આપણે વિચારો પ્રગટ કરી શકીએ છીએ, શબ્દો સાથે જોડાણ થઇ જાય એવું કયારેક શબ્દોમાં બોલીએ છીએ પરંતુ ઘ્યાન હોતું નથી, પણ હવે તો શબ્દ-સંયમનો પણ કેવો મહિમા થઇ શકે તેનું સાક્ષાત ઉદાહરણ નજીકના દિવસોમાં પ્રત્યક્ષ થવા જઇ રહયું છે.
આજથી ૩૫૦ વર્ષ પહેલા એક જૈન સાધુ મહારાજ ઉપાઘ્યાય યશોવિજયજી મહારાજ ખુબ વિદ્વાન હતા તેમણે ભરસભામાં વાદ-વિવાદ કર્યો હતો એટલે કે શાસ્ત્રોમાં કહેલી વાતોથી સાચી વાત સિઘ્ધ કરવી, આ મહારાજે ભર સભાને કહયુ કે જુઓ હું આ વાદ-વિવાદ શરૂ કરૂ છુ અને બધાને સ્પષ્ટ કહું છુ કે આ વાદ વિવાદ વખતે એક પણ વાર મારા બંને હોઠ ભેગા થાય એવા અક્ષરોનો ઉપયોગ નહીં ક. પ,ફ,બ,ભ,મ આ પાંચ અક્ષર જયારે બોલાય છે ત્યારે બે હોઠ ભેગા થાય છે, મારા નીચેના હોઠ પર સિંદુર લગાવું છુ અને જો હોઠ ભેગા થશે તો હું હાર સ્વીકારીશ.
આવો જ વાણી શકિતનો શબ્દ સંયમનો કઠીન પ્રયોગ ફરીથી સંજીવીત થઇ રહયો છે, અને યુવા મુની શ્રમણચંદ્ર સાગર મહારાજ આવો પ્રયોગ કરશે, તેઓ ૬૦ મિનીટ સુધી પ્રવચન ફરમાવશે અને આ હિન્દીમાં રહેશે, સાંસ્કૃતીકતાને ઉજાગર કરવાનો આ પ્રયાસ છે જેથી વરિષ્ઠ સજજનો અને લોકોને આ કાર્યક્રમમાં આવવા આહવાન કરાયું છે, ઇન્ડીયા બુક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડસમાં પણ શબ્દ સંયમ તરીકેનો વર્લ્ડ રેકોર્ડ બનશે. આ પત્રકાર પરિષદમાં ડો. અમિત મહેતા, સ્ટે. કમિટીના ચેરમેન નિલેશ કગથરા, સી.એ. ભાવિનભાઇ શાહ, મહેશભાઇ મહેતા, રાજીવભાઇ શેઠ સહિતના અગ્રણીઓ હાજર રહયા હતા.