દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના હીરાપુર ગામના જંગલ વિસ્તારમાં એક યુવાન અને સગીરાએ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. આ પ્રેમીયુગલે સોશિયલ મીડિયા પર ઇન્સ્ટા લાઈવ કરીને વડની ડાળી સાથે દુપટ્ટો બાંધીને એકસાથે જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાના લાઈવ પ્રસારણ દરમિયાન પહેલા સગીરા કૂદી હતી અને ત્યારબાદ યુવક પણ કૂદી ગયો હતો. આ ભયાનક ઘટનાના વીડિયો અને સમાચાર સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને સોપો પડી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, લીમખેડા વિસ્તારના એક ગામની ૧૬ વર્ષની સગીરા અને ફોફણ ગામના રાજેશ રમણ નીનામા ગતરોજ જંગલ વિસ્તારમાં પહોંચ્યા હતા. આ બંને પ્રેમી યુગલ હોવાનું જાણવા મળ્યું છે, જેમણે અચાનક આત્યંતિક પગલું ભરીને એકસાથે મોતને વહાલું કર્યું હતું.
સોશિયલ મીડિયા પર ૫૭ લોકો લાઈવ જોતા રહ્યા
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આત્મહત્યા કરતા પહેલા આ યુગલે સોશિયલ મીડિયા પર ઇન્સ્ટા લાઈવ ચાલુ કર્યું હતું. આ લાઈવ દરમિયાન અંદાજે 57 જેટલા લોકો તેમને જોઈ રહ્યા હતા, અને લાઈવ ચાલુ હતું તે જ વેળાએ આ બંનેએ ફાંસો ખાઈને પોતાનો જીવ આપી દીધો હતો. જોકે, આ બંનેએ આટલું મોટું પગલું કેમ ભર્યું તેનું ચોક્કસ કારણ હજુ સુધી અસ્પષ્ટ છે. જંગલમાંથી પસાર થતા સ્થાનિક લોકોને આ મૃતદેહો લટકતી હાલતમાં નજરે પડતા તેમણે તરત જ પોલીસને આ બાબતે જાણ કરી હતી.
પોલીસ તપાસ અને કાર્યવાહી
ઘટનાની જાણ થતાં જ રંધિકપુર પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સિંગવડ પીએસઆઈ એસ.એમ. ઝાલાએ પોલીસ સ્ટાફ સાથે મળીને બંને મૃતદેહોને નીચે ઉતરાવ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે આ માى સમગ્ર કેસમાં ગુનો નોંધીને આત્મહત્યા પાછળના વાસ્તવિક કારણો શોધવા માટે સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.