BREAKING NEWS

ભાવનગરમાં સ્પ્રેની બોટલમાં પ્રચંડ બ્લાસ્ટ: ભીષણ આગમાં પરિવારના 8 સભ્યો દાઝ્યા, વિસ્તારમાં અફરાતફરી

  • November 23, 2026 06:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેરના કુંભારવાડા સ્થિત મિલની ચાલી વિસ્તારમાં આજે સાંજે એક અત્યંત કરુણ અને ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. અહીં આવેલી એક ઝૂંપડીમાં ભંગારનો વ્યવસાય કરતા પરિવારના સભ્યો ભંગારની વસ્તુઓ અલગ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક સ્પ્રેની બોટલમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણથી વધુ બાળકો, મહિલા અને અન્ય સભ્યો મળી આશરે આઠથી નવ જેટલા લોકો આગની ઝપેટમાં આવી જતાં ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ સમગ્ર ઘટના અંગે પાડોશી અને પ્રત્યક્ષદર્શી કમુબેને ભયાવહ દ્રશ્યો વર્ણવતા જણાવ્યું હતું કે, આ પરિવાર ભંગારની ફેરી કરીને ગુજરાન ચલાવે છે. તેઓ ભંગારમાં આવતી અત્તર અને સ્પ્રેની ખાલી બાટલીઓ થેલો ભરીને લાવ્યા હતા. આ બાટલીઓની અંદર રહેલા લોખંડના બૂચ કાઢીને એલ્યુમિનિયમ અને ટીન અલગ કરવા માટે હથોડી વડે બાટલીઓ ફોડવામાં આવી રહી હતી. તે દરમિયાન અચાનક તણખો ઝરતા કે હવાના દબાણના કારણે જોરદાર ભડકો થયો હતો અને થેલામાં રહેલી તમામ બાટલીઓમાં એકસાથે આગ લાગી જતાં ધડાકા સાથે બધું હવામાં ઉડવા લાગ્યું હતું.


સાંજના પાંચથી સાડા પાંચ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટના એટલી ભયાનક હતી કે સમગ્ર વાસમાં લોકોને એવું લાગ્યું હતું કે જાણે કોઈએ બોમ્બ ફેંક્યો હોય. પ્રચંડ ધડાકાના અવાજથી સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને લોકો પોતાના બાળકોને લઈને જીવ બચાવવા ભાગવા લાગ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, નાના બાળકો અને પરિવારના સભ્યો સળગતી હાલતમાં બૂમાબૂમ કરતા ઝૂંપડીની બહાર દોડી આવ્યા હતા. આસપાસના લોકોએ પાણી નાખીને આગ ઓલવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો, પરંતુ આગની જ્વાળાઓ એટલી તીવ્ર હતી કે દાઝેલા લોકો બચવા માટે આખા વાસમાં દોડીને જમીન પર પટકાવા લાગ્યા હતા, જે જોઈને સ્થાનિકો પણ ફફડી ઉઠ્યા હતા.


આ દુર્ઘટનામાં દાઝી ગયેલા ઈજાગ્રસ્ત યુવક સાહિલે હોસ્પિટલ બિછાનેથી ઘટના અંગે વાત કરતા જણાવ્યું હતું કે, તેમના કાકા ક્યાંકથી આ ભંગાર લાવ્યા હતા. પરિવારના સભ્યો ભેગા મળીને એલ્યુમિનિયમની સ્પ્રે બોટલો ફોડીને તેમાંથી હવા અને ગેસ બહાર કાઢી રહ્યા હતા. આ પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અચાનક તેમાં ભયાનક ભડકો થયો હતો. જોકે, આ ભડકો કયા કારણોસર થયો તે અંગે તેમને કોઈ ખ્યાલ રહ્યો ન હતો. આ ગમખ્વાર અકસ્માતમાં તેમના એક જ પરિવારના સાતથી આઠ સભ્યો આગની લપેટમાં આવી જતાં સમગ્ર કુંભારવાડા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application