રાજકોટના કુવાડવા રોડ પર આવેલી સ્કંદ લાઇફ કેર હોસ્પિટલના તબીબ ડો. હાર્દિક સંઘાણી અને વોકહાર્ટ હોસ્પિટલના ડો. જીગ્નેશ પટેલની બેદરકારીના લીધે સેટેલાઈટ સોસાયટીમાં રહેતા પટેલ પરિવારના એકના એક 28 વર્ષીય મિકેનિકલ એન્જિનિયર પુત્ર જય રેણપરાનું મોત થયું હતું. જે અંગે સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકનો રિપોર્ટ આવ્યા બાદ અને રિપોર્ટમાં તબીબી બેદરકારી હોવાનું સ્પષ્ટ થયા બાદ આ મામલે યુવાનના માતાની ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને તબીબ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ડેન્ગ્યુ થયા બાદ યુવાન અહીં હોસ્પિટલમાં સારવાર માટે ગયો હતો. બાદમાં તબીબોએ ગંભીર બેદરકારી દાખવતા યુવાનનું મોત થયું હતું.
બંને તબીબ સામે ગુનો દાખલ
પેડક રોડ પર સેટેલાઈટ સોસાયટી શેરી નંબર-૧ માં રહેતા ચાંદનીબેન સુભાષભાઈ રેણપરા(ઉ.વ. 49) દ્વારા આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે સ્કંદ લાઇફ કેર હોસ્પિટલના ડોક્ટર હાર્દિક સંઘાણી અને વોકહાર્ટ હોસ્પિટલના ડોક્ટર જીગ્નેશ પટેલના નામ આપ્યા છે. જે ફરિયાદના આધારે પોલીસે બંને તબીબ સામે બીએનએસની કલમ 106(1) મુજબ ગુનો દાખલ કર્યો છે. ચાંદનીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં પુત્ર જય (ઉ.વ. 28) અને પુત્રી લેન્સી છે. જયની પત્નીનું નામ પૂજાબેન છે તેને સંતાનમાં એક ચાર માસનો પુત્ર નીવ છે. જય ઈલેક્ટ્રિકલ એન્જિનિયર હતો અને કાર લે વેચનો વ્યવસાય કરતો હતો.
હવે પ્લેટલેટ 12000 થયા છે હવે તમારા દીકરાને સારું છે
ગઈ તા. 18/9/2024 ના જયને તાવ આવતો હોય અને માથું દુખતું હોય જેથી ફેમિલી ડોક્ટર પાસે ગયો હતો જ્યાં ડોક્ટરે ડેન્ગ્યુની અસર હોવાનું કહ્યું હતું અને બે દિવસની દવા આપી લોહીના રિપોર્ટ કરાવવાનું કહ્યું હતું. બાદમાં તારીખ 19/9 ના રિપોર્ટ કરાવતા ડેન્ગ્યુની અસર હોવાનું અને પેટલેટ 41,000 આવ્યા હતા. જેથી જય કુવાડવા રોડ પર ડી માર્ટ પાસે આવેલી સ્કંદ લાઇફ કેર હોસ્પિટલમાં સારવાર માટે ગયો હતો. જ્યાં તેને એડમીટ કરવામાં આવ્યો હતો અને અહીં લોહીના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. બાદમાં ડોક્ટર હાર્દિક સંઘાણીએ સાંજના રિપોર્ટમાં પ્લેટલેટ 15000 આવતા કહ્યું હતું કે તમારા દીકરાને પ્લેટલેટ ચડાવવા પડશે બાદમાં તા. 20ના સવારના રિપોર્ટ કરાવતા પ્લેટલેટ 11,000 આવ્યા હતા. થોડા સમય બાદ ફરી રિપોર્ટ કરાવ્યા હતા અને આ સમયે ડોક્ટર હાર્દિક સંઘાણીએ કહ્યું હતું કે હવે પ્લેટલેટ 12000 થયા છે હવે તમારા દીકરાને સારું છે.
હાથ-પગ ઠંડા થવા લાગતા યુવકને આઇસીયુમાં શિફ્ટ કર્યો
તા. 20/9 ના સવારે જયને ખૂબ જ નબળાઈ આવી ગઇ હોય તે વખતે તેના માતા ચાંદનીબેને રિસેપ્શન પર જઈ તાત્કાલિક ડોક્ટરને બોલાવવા કહ્યું હતું. પરંતુ અડધી કલાક બાદ ડોક્ટર સંઘાણીના પત્ની જે સ્કીનના ડોક્ટર હોય તેણે આવી તપાસ કરી ઇન્જેક્શન આપી સારું થઈ જશે તેમ કહી રિસેપ્શન પર ચાલ્યા ગયા હતા. પરંતુ જયની તબિયત વધુ બગડતા હાથ પગ ઠંડા થવા લાગતા તેને આઇસીયુમાં શિફ્ટ કર્યો હતો અને આ સમયે પણ ડોક્ટર સંઘાણીના પત્ની સારવાર આપતા હતા. અડધો કલાક બાદ ડોક્ટર હાર્દિક સંઘાણી આવ્યા હતા અને ચેકઅપ કરી કહ્યું હતું કે, તમારા દીકરાનું બીપી લો થઈ ગયું હતું. હાલમાં બીપી કંટ્રોલમાં છે ચિંતા કરવાની જરૂર નથી જેથી જયના પરિવારજનોએ ડોક્ટરને કહ્યું હતું કે, તમારી હોસ્પિટલમાં મારા દીકરાની તબિયત સારું થાય તેમ ન હોય તો અમને રજા આપો તો અમે બીજી હોસ્પિટલમાં દીકરાની સારવાર કરાવીએ જેથી તેમણે ઓફિસમાં બોલાવ્યા હતા અને બાદમાં કહ્યું હતું કે, હવે પછીની સારવાર અહીં બેઠેલા ડોક્ટર જીગ્નેશ પટેલ જે વોકહાર્ટ હોસ્પિટલ રાજકોટ વાળા છે તે કરશે.
હું બધું હેન્ડલ કરી લઈશ
સાંજના સંબંધી રાજેન્દ્રસિંહ રાણાની દીકરી પ્રિયંકાબેન જે એમબીબીએસનો અભ્યાસ કરતી હોય તે હોસ્પિટલે આવી હતી અને દીકરાના રિપોર્ટ જોયા હતા અને તેણે જયભાઇની તબિયત ક્રિટિકલ હોવાનું કહ્યું હતું બાદમાં ડોક્ટર જીગ્નેશ પટેલને કહ્યું હતું કે અમારા દીકરાને અન્ય હોસ્પિટલમાં લઈ જવો છે જેથી જીગ્નેશ પટેલે કહ્યું હતું કે તમે કોઈ પણ હોસ્પિટલમાં જશો કે અમેરિકામાં જાશો તો પણ અમે આપીએ એ જ સારવાર આપવામાં આવશે. તમારે કોઈ હોસ્પિટલમાં જવાની જરૂર નથી જરૂર પડ્યે હું વોકહાર્ટ હોસ્પિટલમાંથી વધુ ડોક્ટર મંગાવી લઈશ તેવી બાહેંધરી આપી હતી. આ સમયે પ્રિયંકાબેને ડોક્ટર જીગ્નેશ પટેલને રિપોર્ટ જોઈ કહ્યું હતું કે જયભાઇની તબિયત વધુ ક્રિટીકલ છે તમારાથી પેશન્ટ હેન્ડલ ન થઈ શકે તેમ હોય તો તેને કોઈ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રિફર કરીએ પરંતુ ડોક્ટર જીગ્નેશ પટેલે કહ્યું હતું કે, હું બધું હેન્ડલ કરી લઈશ અને થોડીવાર બાદ તેઓ હોસ્પિટલમાંથી જતા રહ્યા હતા.
જયનું મૃત્યુ થયાનું જાહેર કર્યું
સાંજના 7:45 એક વાગ્યે જયની તબિયત વધુ બગડી હતી તાત્કાલિક રિસેપ્શન પર જઈ ડોક્ટરને તાત્કાલિક બોલાવવાનું કહ્યું હતું. અડધો કલાક બાદ સવા આઠ વાગ્યા આસપાસ ડોક્ટર જીગ્નેશ પટેલ અહીં આવ્યા હતા અને આઇસીયુમાં જયની સારવાર કરવા લાગ્યા હતા તેમણે એમ્બ્યુલન્સ બોલાવી હતી અને 9:00 વાગ્યા આસપાસ જયને વોકહાર્ટ હોસ્પિટલ દાખલ કર્યો હતો. જ્યાં અંદાજિત અડધો કલાક સુધી સારવાર આપી હતી અને ત્યારબાદ જયનું મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું.
બંને તબીબ સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી
આમ યુવાનને ડેન્ગ્યુનો તાવ આવતો હોય જેમાં સ્કંદ હોસ્પિટલના ડોક્ટર સંઘાણીને ત્યાં દાખલ થયા બાદ આ હોસ્પિટલ જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોવાનું બોર્ડ મારી હોય અને અહીંના ડોક્ટર હાર્દિક સંઘાણી દ્વારા જયની સારવાર કરવામાં આવી હોય અને અધવચ્ચે તેની સારવાર મૂકીને જતા રહ્યા હોય તેમજ વોકહાર્ટ હોસ્પિટલના ડોક્ટર જીગ્નેશ પટેલને વધુ સારવાર માટે બોલાવી સારવારમાં બેદરકારી રાખી હોય અને અન્ય હોસ્પિટલમાં લઈ જવા દીધા ન હતા. જે અંગે પીડીયુ હોસ્પિટલના તબીબી અધિકક્ષકના રિપોર્ટ મુજબ ડોક્ટરની બેદરકારીના લીધે યુવાનનું મૃત્યુ થયાનું રિપોર્ટ આપવામાં આવ્યો હોય જેથી આ અંગે યુવાનની માતા દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બંને તબીબ સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.
અમેરિકા લઇ જશો તો પણ આ જ સારવાર આપશે કહી બીજી હોસ્પિટલ ન જવા દીધા
જયની તબીયત વધુ બગડયા બાદ તેને બીજી હોસ્પિટલમાં સીફટ કરવાની વાત કરતા વોકહાર્ટના તબીબ જીગ્નેશ પટેલને કહ્યું હતું કે અમારા દીકરાને અન્ય હોસ્પિટલમાં લઈ જવો છે જેથી જીગ્નેશ પટેલે કહ્યું હતું કે તમે કોઈ પણ હોસ્પિટલમાં જશો કે અમેરિકામાં જાશો તો પણ અમે આપીએ એ જ સારવાર આપવામાં આવશે. તમારે કોઈ હોસ્પિટલમાં જવાની જરૂર નથી. કહી બીજી હોસ્પિટલ જવા દીધા ન હતાં.
ડો. સંઘાણીની પત્ની સ્કિન ડોક્ટર હોવા છતાં તેણે યુવાનની સારવાર કરી
જયને ખૂબ જ નબળાઈ આવી ગઇ હોય તે વખતે તેના માતા ચાંદનીબેને રિસેપ્શન પર જઈ તાત્કાલિક ડોક્ટરને બોલાવવા કહ્યું હતું પરંતુ અડધી કલાક બાદ ડોક્ટર સંઘાણીના પત્ની જે સ્કીનના ડોક્ટર હોય તેણે આવી તપાસ કરી ઇન્જેક્શન આપી સારું થઈ જશે તેમ કહી રિસેપ્શન પર ચાલ્યા ગયા હતા.