શહેરની જૂની કલેકટર કચેરી પાસે આવેલી ફેમેલી કોર્ટમાં મુદતે આવેલા યુવાનને ગ્રાઉન્ડ ફ્લોરમાં જ ફિનાઈલ ગટગટાવી લેતા નાસભાગ મચી જવા પામી હતી. યુવકની પત્નીએ ભરણ પોષણ માટેનો કેસ ભાવનગર કોર્ટમાં કર્યો હોય તેનું 1.25 લાખ જેટલું ભરણ પોષણ ચડત થઇ જવા ઉપરાંત પોતે પણ છૂટાછેડા માટેનો કેસ રાજકોટની ફેમિલી કોર્ટમાં કર્યો હતો તેની મુદતો પડતી હોય જે ધક્કાથી કંટાળી પગલું ભરી લીધું હતું. યુવક પાસેથી એક ચીઠી મળી આવી હતી તેમાં પત્ની, સાસુ, સસરા સહીત પાંચ વ્યક્તિના નામ લખ્યા છે અને આ લોકોના કારણે પગલું ભરું છું તેવો ઉલ્લેખ કર્યો છે.
ફિનાઈલ ગટગટાવી લેતા તરફડિયા મારવા લાગ્યો
રાજકોટમાં કોઠારીયા રોડ ઉપર રણુજા મંદિર પાછળ આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતા મિથિલેશગિરિ હર્ષદગિરિ ગોસ્વામી (ઉં.વ.33)ના યુવાને આજે બપોરના બારેક વાગ્યાની આસપાસ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલતો હોય તેની મુદતે આવ્યો હતો દરમિયાન તેને ગ્રાઉન્ડ ફ્લોર પર ફિનાઈલ ગટગટાવી લેતા તરફડિયા મારવા લાગ્યો હતો. બનાવના પગલે પોલીસ ગાર્ડ સહિતના લોકો દોડી ગયા હતા અને કોઈએ 108ને જાણ કરતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.
પત્ની, સાસુ, સસરા સહિતના ત્રાસથી કંટાળ્યો
પ્રાથમિક તપાસમાં પતિ મિથિલેશગિરિ ગોસ્વામી અને ભાવનગર ખાતે રિસામણે રહેતી પત્ની મિતલબેને શારીરિક માનસિક ત્રાસ અને ભરણપોષણ મેળવવા કેસ દાખલ કર્યા હતો જયારે મિથિલેશભાઈએ રાજકોટની ફેમેલી કોર્ટમાં છૂટાછેડા લેવા માટેનો કેસ કર્યો હતો. આમ પત્નીએ ભાવનગર કરેલા કેસના અને પોતે રાજકોટ કોર્ટમાં કરેલા છૂટાછેડાના કેસને લઈ મુદ્દતોમાં જવું પડતું હતું અને ધક્કા વધી ગયા હતા. આજે પણ રાજકોટ ફેમેલી કોર્ટની મુદત હોય પરંતુ જજ રજા ઉપર હોવાથી નવી તા.20-11ની મુદત પડી હતી. કોર્ટના વધતા ધક્કા આ ઉપરાંત પત્ની, સાસુ, સસરા સહિતના ત્રાસથી કંટાળી સાથે લાવેલી ફિનાઈલની બોટલ ખિસ્સામાંથી કાઢી પી લીધું હતું.
યુવકે ચિઠ્ઠીમાં શું લખ્યું?
યુવક પાસેથી એક ચીઠી મળી આવી હતી જેમાં લખ્યું હતું કે, હું મિથિલેશ ગોસ્વામી જિંદગીનું છેલ્લું પગલું ભરવા જઈ રહ્યો છું અને આ માટેનું કારણ મેઈન પાંચ માણસો જવાબદાર છે, જેમાં ડો.જયસુખપરી ગોસ્વામી, મહેશ ભારથી હનુભારથી ગોસ્વામી પત્ની મિત્તલ હરસુખપરી ગોસ્વામી, સસરા હરસુખપરી ગોસ્વામી, સાસુ જ્યોતિબેન ના નામ લખ્યા છે. આમને સરકાર સજા આપશે એવી મારી છેલ્લી ઈચ્છા છે. લખેલી ચીઠી પોલીસે કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મિથિલેશગિરિ ગોસ્વામી દ્વારા 19 જુલાઈ 2025ના રોજ પત્ની મિત્તલબેનનો હક બંધ કરવા માટે અરજી કરવામાં આવી હતી જે પણ હાલ પેન્ડિંગ છે.