મૂળ કોટડા સાંગાણીના દેવળીયા ગામના વતની અને હાલ રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે માડા ડુંગર નજીક રહેતા યુવાને એસિડ પી આપઘાત કર્યો હતો. જે અંગે મૃતકના પત્નીની ફરિયાદ પરથી યુવાનના મામાના પુત્ર સામે આપઘાતની ફરજ પાડવા અંગે ગુનો નોંધાયો છે. લોનના ત્રણ હપ્તાના રૂપિયા 9,000 ની આરોપી ઉઘરાણી કરી ત્રાસ આપતો હોય તેમજ આ બાબતે યુવાનને લાફા મારી તેને મારી નાખવાની ધમકી આપતા ડરી જઈ યુવાને આ પગલું ભર્યું હતું. જે અંગે આજીડેમ પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ કોટડા સાંગાણીના દેવળીયા ગામના વતની અને હાલ આજીડેમ ચોકડી પાસે માંડાડુંગર નજીક હિંગળાજ પાનવાળી શેરીમાં છેલ્લા પાંચેક માસથી ભાડાના મકાનમાં રહેતા કિરીટ શંભુભાઇ જાદવ(ઉ.વ.૪૦) નામના યુવાને ગત તા. 20/10 ના રોજ ઘરે એસિડ પી આપઘાત કરી લીધો હતો. જે અંગે મૃતકના પત્ની પૂજાબેન કિરીટભાઈ જાદવ (ઉ.વ. 30) દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં અજય છગનભાઈ ગોહેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પૂજાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં પાંચ વર્ષની પુત્રી ખુશી અને એક વર્ષની પુત્રી ભાવિશા છે. આજથી એકાદ વર્ષ પહેલા રૂપિયાની જરૂર હોય જેથી પૂજાબેનના સગાભાઈ વિજય કાળુભાઈ વાલાણીના નામે માધવ મંડળીમાંથી રૂપિયા એક લાખની લોન લીધી હતી. જેમાંથી 50 હજાર રૂપિયા તેમણે રાખ્યા હતા જયારે 50,000 રૂપિયા પતિના મામાના પુત્ર અજય ગોહેલને આપ્યા હતા. જેમાં મહિને હપ્તો રૂ. 6,000 ભરવાનો હતો જેમાંથી રૂ.3,000 ફરિયાદીના પતિ અને રૂ. 3,000 અજયને ભરવાનું નક્કી થયું હતું. અજય રેગ્યુલર હપ્તા ભરતો હતો પરંતુ ફરિયાદીની ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોય જેથી ત્રણ હપ્તા ભર્યા ન હતા. જે ત્રણ હપ્તાની રકમ રૂપિયા 9,000 અજયે ભરી હતી તે પૈસા તે માંગતો હતો.
ગઈ તા. 20/10 ના સાંજના છેક વાગ્યા આસપાસ કિરીટભાઈને અજયનો ફોન આવ્યો હતો ત્યારબાદ તે ટુ વ્હીલર લઈ અહીં ઘરે આવ્યો હતો અને કિરીટભાઈને કહેવા લાગ્યો હતો કે, લોનના ત્રણ હપ્તા જે તેણે ભર્યા છે તે 9000 રૂપિયા તું મને અત્યારે જ આપ. જેથી કિરીટભાઈએ કહ્યું હતું કે, મારી પાસે અત્યારે પૈસાની સગવડ નથી હું તમને થોડા સમયમાં રૂપિયા આપી દઈશ. આમ કહેતા અજયે કિરીટભાઈને કહ્યું હતું કે, ચાલ આપણે થોડીવારમાં આવીએ. તેમ કહી તે તેને સ્કૂટરમાં બેસાડી લઈ ગયો હતો. બાદમાં સાડા છ વાગ્યા આસપાસ કિરીટભાઈ ઘરે આવ્યા ત્યારે ચિંતામાં હોય તેવું લાગતું હતું. બાદમાં બાથરૂમમાં ગયા હતા અને થોડીવાર બાદ ઉબકા કરવા લાગતા તેમના પત્ની પૂજાબેન અને માતા દોડીને અહીં આવ્યા હતા અને પૂછતા કહ્યું હતું કે, મેં બાથરૂમમાં પડેલી એસિડની બોટલમાંથી એસિડ પી લીધું છે. બાદમાં તેમને 108 મારફત સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે કિરીટભાઈએ પત્નીને વાત કરી હતી કે, અજય મને બેસાડીને હું કામ કરું છું તે આજી વસાહત રામનગર ખાતે કારખાને લઈ ગયો હતો પરંતુ દિવાળીના લીધે કારખાનું બંધ હોય જેથી શક્તિ હોટલ પાસે લઈ ગયો હતો અને ત્યાં રૂપિયા 9,000 ની ઉઘરાણી કરી હતી. હાલમાં પૈસાની સગવડ ન હોવાનું કહેતા અજય મને બે લાફા મારી દીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં અહીં મૂકી ગયો હતો. જેના લીધે ડર લાગતા એસિડ પી લીધું છે આવી વાત કરી હતી. બાદમાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું. જે અંગે મૃતકના પત્ની દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા આજીડેમ પોલીસે અજય છગનભાઈ ગોહેલ વિરૂદ્ધ બીએનએસની કલમ 108, 351(3) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ એચ.જે.સોલંકી ચલાવી રહ્યા છે.