શહેરના યાજ્ઞિક રોડ પર ગત તા.12ના બુલેટ અને હોન્ડા સાઈન સામ સામે અથડાતા બાઈક સવાર યુવાનનું ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે બુલેટ ચાલક અને તેના મિત્રને ઇજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે.
મૃતક બે બહેનનો એકનો એક ભાઈ હતો
બનાવની પ્રાપ્ત વિગત મુજબ શહેરના પારેવડી ચોક પાસે મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતો પ્રકાશ દેવાંગભાઈ ચૌહાણ (ઉં.વ.18) ગત તા.12ના જીજે 03-એનક્યુ-4911 નંબરનું બુલેટ લઈને ઘરેથી રેસકોર્ષ આટો મારવા જવાનું કહી મિત્ર સાથે નીકળ્યો હતો ત્યારે જિલ્લા પંચાયત ચોકથી યાજ્ઞિક રોડ તરફ નીકળ્યા હતા ત્યારે સામેથી આવતા જીજે-03-ડીબી-7436 નંબરના હોન્ડા સાઈન સાથે બુલેટ અથડાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં હોન્ડા સાઇનના ચાલક અશરફૂલ હૈદરભાઈ મીર (ઉ.વ.30) અને પાછળ બેઠેલા મિત્ર મહમદ મેરાજ અબ્દુલ મંડલ તેમજ બુલેટ ચાલક પ્રકાશને ઇજા થતા ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં પ્રકાશનું ગત રાત્રીના ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. મૃતક પ્રકાશ ચૌહાણ કાપડની દુકાનમાં કામ કરતો હતો અને બે બહેનનો એકનો એક ભાઈ હતો. એકના એક પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે.
મહમદ મેરાજને પગમાં ફેક્ચર
અકસ્માતમા બાઈક સવાર મહમદ મેરાજને પગમાં ફેક્ચર થયાનું નિદાન થતા દાખલ કરવામાં આવ્યો છે. બનાવમાં રામનાથપરા-6મા રહેતા અશરફુલ મીરની ફરિયાદ પરથી બુલેટ ચાલક મૃતક પ્રકાશ દેવાંગભાઈ ચૌહાણ સામે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે.