BREAKING NEWS

નવાગામમાંથી યુવાનનું કારમાં અપહરણ, કારખાનામાં ગોંધી રાખી છરી, ધોકા, કેબલથી બેફામ લમધાર્યો

  • December 04, 2025 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં કાયદો વ્યવસ્થાની હાલત અંગે સવાલ ખડા કરે તેવો વધુ એક બનાવ સામે આવ્યો છે. નવાગામમાંથી યુવાનનું અપહરણ કરી કારખાનામાં ગોંધી રાખી છરી અને કેબલ વડે તેને બેફામ મારમાર્યો હતો. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી કુવાડવા પોલીસે આઠ શખસો સામે અપહરણ, રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


નવાગામમાં સાત હનુમાનના ઢોરે રહેતાં કિશોરભાઈ ચોથાભાઈ ગઢાદરા (ઉ.વ.31) નામના યુવાને કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે નિલેશ પરબત હેરમા, અનિલના પિતા પરબતભાઇ અને અજાણ્યાં છ શખસોના નામ આપ્યા છે.


એક કાળા કલરની ફોર વ્હીલ ત્યાં આવી હતી

ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે તેના સાસુ-સસરા ભેગો રહી મજૂરીકામ કરે છે. ગઈકાલ રાત્રિના સાડા અગ્યારેક વાગ્યા આસપાસ તે સાસુ-સસરાના ઘરે હતો ત્યારે થોડીવાર બાદ એક કાળા કલરની ફોર વ્હીલ ત્યાં આવી હતી, જેમાંથી નિલેશ હેરમા તથા ચાર અજાણ્યા વ્યક્તિ નીચે ઉતરેલ અને તેને પકડીને ગાડીમાં બેસાડી ગાળો બોલવા લાગ્યા હતાં. જે બાદ ગાડીમાં બેસાડીને સરકારી શાળાની સામે આવેલ નિલેશભાઈના સોફાના કારખાનામાં લઈને ગયા હતા. ત્યાં અંદર જતા આ નિલેશભાઈ પિતા તથા અન્ય બે માણસો ત્યાં હાજર હોય જે બધા મળીને મારવા લાગ્યા હતા.


યુવાન ભાગીને ખુલ્લા પ્લોટમાં જતો રહેલ

જેમાં એક વ્યક્તિ પાસે છરી તથા અન્ય વ્યક્તિઓ પાસે ધોકા તથા કેબલ હોય જેના વડે આડેધડ માર માર્યો હતો. બાદ અન્ય બે વ્યક્તિઓ બહારથી આવેલ જેમાંથી એક વ્યક્તિએ યુવાનને
છોડાવેલ હતો. જે બાદ તેઓ બધા ત્યાંથી જતા રહેલ હતા. જેથી યુવાન ત્યાંથી ભાગીને કારખાના સામે આવેલ ખુલ્લા પ્લોટમાં જતો રહેલ હતો. બાદ તેના ભાઈ મનસુખભાઈને ફોન કરતા તેઓ દોડી આવ્યા હતા અને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગયા હતાં.


નિલેશભાઈના પિતા સાથે અગાઉ ઝઘડો થયેલ હતો

ફરીયાદીએ બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, તેમને નિલેશભાઈના પિતા સાથે અગાઉ ઝઘડો થયેલ હતો, જે બાબતનો ખાર રાખી રાત્રિના સમયે તેમનું અપહરણ કરી બેફામ મારમાર્યો હતો. ફરીયાદીએ દિવાળી સમયે આરોપીના પિતાને માર મારતા બદલો લેવાં અપહરણ કર્યાનું સામે આવ્યું હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી કુવાડવા રોડ પોલીસે કારખાનેદાર સહિતના સામે અપહરણ,રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પીઆઈ બી. પી.રજીયા અને ટીમે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application