માણેકચોકના ઐતિહાસિક તાકમાંથી વધુ એક લાકડાનું પાટિયું પડતા યુવાન થયો ઘાયલ
માણેકચોકના ઐતિહાસિક તાકમાંથી વધુ એક લાકડાનું પાટિયું પડતા યુવાન થયો ઘાયલ
November 21, 2025 09:21 AM
પોરબંદરના માણેકચોકમાં ગાંધી જન્મસ્થાન નજીક ઉપરના ભાગે ઐતિહાસિક તાક આવેલ છે જેના લાકડાના પાટીયા અત્યંત જર્જરીત બની ગયા છે જેમાંથી વધુ એક પાટિયું યુવાન ઉપર પડતા તેને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. બનાવની વિગત એવી છે કે પોરબંદરના માણેકચોકમાં વર્ષો પહેલા નગરપાલિકાની જૂની કચેરી હતી એ સમયે ત્રણે ગેટની ઉપર ઐતિહાસિક તાક આવેલ હતા અને છેલ્લા કેટલાક વર્ષોથી તે જર્જરિત બની ગયા છે જેમાંથી અવારનવાર લાકડાના પાટીયા અને ઇમારતનો કાટમાળ પડે છે. આ વિસ્તાર લોકોની સતત અવર-જવર વારો હોવા છતાં મહાનગરપાલિકા નું તંત્ર તાકનું સમારકામ કરાવતું નથી અને તેને નીચે ઉતારતું નથી. તેથી અહીંયા આવેલ જ્વેલર્સના શોરૂમમાં કામ કરતો મયુર પરમાર નામનો યુવાન બપોરના સમયે જમીને દુકાને પરત ફર્યો ત્યારે પગથિયા ચડતો હતો એ સમયે જ અચાનક તાકમાંથી ધડાકાભર લાકડાનું પાટિયું માથા ઉપર લાગતા લોહી લુહાણ થઈ ગયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ જર્જરીત તાકમાંથી હજુ લાકડાના પાટીયા અને નળિયા લટકી રહ્યા છે તેથી કોઈ રાહદારી અથવા અહીં ધંધાર્થીઓનો જીવ જાય તે પહેલા મહાનગરપાલિકાના તંત્રએ આળસ છોડીને જર્જરીત કાટમાળ ને નીચે ઉતારી લેવો જોઈએ તેવી માગણી ઉઠવા પામી છે.