જામનગર બાદ જૂનાગઢના માળિયાહાટીનામાં ખેડૂત સભામાં આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફરી જૂતું ફેંકવામાં આવ્યું હતું. જેને લઈને ગઈકાલે રાત્રે રાજકોટના કોઠારિયામાં આપની સભામાં ગોપાલ ઈટાલિયાએ જૂતું ફેંકનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. ઈટાલિયાએ સભામાં જૂતું ફેંકનારાઓને કાયર ગણાવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, ત્રેવડ હોય તો જાવ ગુજરાત વિધાનસભામાં. ત્યાં જશો તો વાહા કાબરા કરી નાખશે. સાત પેઢીમાં કોણ બાપા અને કોણ દાદા હતા તે ભૂલી જાશો.
તમે મોટી તોપ હો અને મરદના બેટા હોવ તો જાવ વિધાનસભામાં
વધુમાં જણાવ્યું હતું કે, ઘણા મને કહે છે કે શરૂઆત તમે જ કરેલી. મારી સભામાં જૂતા મારી જાય છે. ત્યારે મેં કહ્યું સત્તામાં બેઠેલા ખાનખાનાને જૂતું મારેલું, વિપક્ષને નહીં. કાયર માણસ હોય એ વિપક્ષની સભામાં જૂતું મારી જાય. તમે મોટી તોપ હો અને મરદના બેટા હોવ તો જાવ વિધાનસભામાં. ગોપાલભાઈએ શરૂઆત કરી હતી સત્તામાં બેઠેલા માણસને લલકારવાની. અમે એવા કાયર માણસ નહોતા, નમાલા નહોતા કે વિપક્ષ સામે જોડા ઉઠાવે. પણ મેં સાહસ કર્યું હતું.
ભાજપ સરકાર પોલીસ મિત્ર બનાવે છે અને પોતાના કામ કરાવે છે
આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, પોતાના માટે તો સૌ કરે પરંતુ બીજાના માટે મર્યા હોય તેના ઇતિહાસ લખાય. સો વર્ષ પહેલા સરદાર પટેલ અને મહાત્મા ગાંધી અંગ્રેજો સામે લડ્યા હતા અને હવે ભાજપની ગુલામી છે. ભાજપ સરકાર પોલીસ મિત્ર બનાવે છે અને પોતાના કામ કરાવે છે પરંતુ તેમાં 80 ટકા સારા છે કે જેઓને ભાજપ ગમતું નથી. કારણ કે તેમને ખબર છે કે ગ્રેડ-પે આમ આદમી પાર્ટી જ અપાવી શકશે.