વડોદરાના હરણી એરપોર્ટ પરથી દિલ્હી જવા માટે રવાના થનારી ઇન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટમાં મોટી ટેકનિકલ ખામી સર્જાવાને કારણે મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. રનવે પર ટેક-ઓફ માટે તૈયાર થઈ રહેલી ફ્લાઇટમાં અચાનક જ વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. પાવર કટ થવાના કારણે વિમાનની અંદરની લાઇટો અને એર કન્ડિશનર (એસી) બંધ થઈ ગયા હતા. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે બંધ કેબિનમાં અંધારપટ છવાઈ જતાં અને ઓક્સિજનની કમી વર્તાતા મુસાફરો ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા અને એરપોર્ટ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી વિગતો મુજબ, આ ઘટના વડોદરાથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6ઇ657માં ઘટી હતી. ફ્લાઇટમાં સવાર મુસાફરો રાત્રે 08:50 વાગ્યાથી લઈને 09:15 વાગ્યા સુધી, એટલે કે આશરે 25 મિનિટ જેટલા લાંબા સમય સુધી પેક વિમાનની અંદર જ ફસાયેલા રહ્યા હતા. બંધ કેબિનમાં અસહ્ય ગરમી અને બફારાના કારણે મુસાફરો વ્યાકુળ બની ગયા હતા. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે ફ્લાઇટમાં હાજર નાના બાળકો અને વૃદ્ધોની તબિયત બગડવા લાગી હતી. આ ગંભીર પરિસ્થિતિનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એરલાઇન્સની બેદરકારી સામે મુસાફરો આક્રોશ ઠાલવતા જોવા મળી રહ્યા છે.
વિમાનની અંદર એસી બંધ થઈ જતાં ગરમીથી બેહાલ બનેલા મુસાફરો પોતાની જાતે જ પવન નાખવા મજબૂર બન્યા હતા. ફ્લાઇટની અંદર હાજર તમામ લોકો પોતાના હાથમાં રહેલા પૂંઠા, ઓફિસ ફાઇલો અને ન્યૂઝપેપર (છાપા) વડે એકબીજાને પવન નાખતા નજરે પડ્યા હતા. સામાન્ય રીતે આધુનિક સુવિધાઓ માટે મોંઘી ટિકિટ ખરીદીને મુસાફરી કરતા પ્રવાસીઓ માટે આ સ્થિતિ અત્યંત દયનીય અને કષ્ટદાયક બની રહી હતી. એરહોસ્ટેસ અને ક્રૂ મેમ્બર્સ પણ મુસાફરોને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ગરમીનો પારો એટલો ઊંચો હતો કે લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો.
એરપોર્ટના સૂત્રોની માહિતી અનુસાર એરક્રાફ્ટનું જીપીયુ કોઈ અજ્ઞાત ટેકનિકલ કારણોસર અચાનક બંધ થઈ ગયું હતું, જેને કારણે આ આખી કટોકટીભરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જ્યારે કોઈ પણ વિમાન રનવે કે ટર્મિનલ પર જમીન પર સ્થિર ઉભું હોય છે, ત્યારે ઇંધણ બચાવવા અને સુરક્ષાના ભાગરૂપે તેના મુખ્ય એન્જિનો બંધ રાખવામાં આવે છે. એન્જિન બંધ હોવા છતાં વિમાનની અંદરની મહત્વની સિસ્ટમ્સ જેવી કે, કોકપિટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (ડિસ્પ્લે અને નેવિગેશન સિસ્ટમ), કેબિન લાઇટિંગ, એર કન્ડિશનિંગ (તાપમાન અને હવાનું દબાણ જાળવવા માટે) અને એન્જિનને ફરીથી સ્ટાર્ટ કરવા માટે જરૂરી પાવર સપ્લાય પૂરો પાડવાનું મુખ્ય કામ આ 'ગ્રાઉન્ડ પાવર યુનિટ' (જીપીયુ) દ્વારા જ કરવામાં આવે છે. આ યુનિટ ફેઇલ થતાં જ આખી ફ્લાઇટ ડેડ થઈ ગઈ હતી.
ફ્લાઇટમાં પાવર ડિસરપ્શન (વીજ પ્રવાહ બંધ થવાની) ઘટના બનતાની સાથે જ એરપોર્ટ પ્રશાસન અને ઇન્ડિગો એરલાઇન્સની ટેકનિકલ ટીમ એક્શનમાં આવી ગઈ હતી. કુશળ એન્જિનિયરો અને ટેકનિશિયનોની ટીમે તાત્કાલિક ધોરણે ખામી સુધારવાની કામગીરી હાથ ધરી હતી. યુદ્ધના ધોરણે કરવામાં આવેલી મરામત બાદ આશરે 25 મિનિટે વીજ પુરવઠો સફળતાપૂર્વક પૂર્વવત કરવામાં આવ્યો હતો. ફ્લાઇટમાં ફરીથી લાઇટો ઝબકી ઉઠી અને એસી શરૂ થતાં જ ગૂંગળામણ અનુભવી રહેલા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. તમામ ટેકનિકલ પાસાઓની પુનઃ ચકાસણી કર્યા બાદ આ ફ્લાઇટને દિલ્હી જવા માટે સુરક્ષિત રીતે રવાના કરવામાં આવી હતી.